રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ-ચિત્રનગરીના સહયોગથી રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ અંતર્ગત આવતીકાલે તા. 29 ઓકટોબરના સાંજે રેસકોર્સ ખાતે ભવ્ય રંગોળી સ્પર્ધા યોજાશે. જેમાં અવનવા સ્લોગન સાથેની 25 તો 500 વ્યક્તિગત રંગોળી તૈયાર કરવામાં આવશે. જેમાં સ્લોગન ગૃપ કેટેગરીમાં પ્રથમ 5ને રૂપિયા 5,000 તો વ્યક્તિગત કેટેગરીમાં પ્રથમ 11ને રૂપિયા 5,000 તો જ્યારે 51 સ્પર્ધકોને રૂપિયા 1,000નો આશ્વાસન પુરસ્કાર એનાયત કરવામાં આવશે. વાદવિવાદ થાય તેવી રંગોળી બનાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. રાજકોટની જનતા 29 ઓક્ટોબરના રાત્રે 10 વાગ્યાથી 31 ઓક્ટોબર સુધી રંગોળી નિહાળી શકશે. આ દરમિયાન તા. 29 ઓક્ટોબરના મંગળવારના સાંજે 5 કલાકથી રાત્રે 8 કલાક સુધી બી.ટી. સવાણી કિડની હોસ્પીટલના સહયોગથી શહેરીજનોને ડાયાબિટીસ, બ્લડ પ્રેસર, હિમોગ્લોબીનની નિ:શુલ્ક તપાસ કરી આપવામાં આવનાર છે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતુ કે, રંગીલુ રાજકોટ શહેર તેના ઝડપી વિકાસની સાથોસાથ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે પણ વિખ્યાત છે. જ્યારે દિવાળી જેવો સૌનો મનપસંદ એવો દિવ્ય તહેવાર આવે ત્યારે રાજકોટની રોનક દીપી ઉઠે છે. વધુ એક વખત દિવાળીના તહેવારને યાદગાર બનાવવા અને નાગરિકોમાં આનંદ, ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉના વર્ષોની માફક આ વર્ષે પણ તા. 27થી તા. 31 ઓક્ટોબર દરમિયાન રેસકોર્સ રિંગ રોડ ખાતે રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં એન્ટ્રી ગેઇટ, આકર્ષક થીમ બેઇઝડ લાઈટીંગ ડેકોરેશન, ભવ્ય આતશબાજી, રંગોળી સ્પર્ધા,લેસર શો સહિતના આકર્ષણો છે.