રાજકોટમાં 8 વર્ષની બાળકીને અવાવરુ વિસ્તારમાં લઈ જઈ તેના ઉપર દુષ્કર્મ આચરી બાળકીએ અવાજ કરતા મોટા પથ્થરથી તેણીનું માથુ છૂંદી હત્યા કરનાર આરોપીની મદદગારીના ગુન્હામાં ભરત કેશવભાઈ મીણાની રેગ્યુલર જામીન અરજી કરતા પોકસોની ખાસ અદાલતે અરજી રદ કરી છે.
આ બનાવના દિવસે બાળકીના પિતાએ મુખ્ય આરોપી મૈથીલેશને બાળકીને ભાગ લઈ દેવા માટે લઈ જવા જણાવ્યું. આ વાતને તક માની મૈથીલેશે પોતાના મિત્ર આરોપી ભરત મીણાને બાળકી પોતાના હસ્તક હોવાનું જણાવી રેલ્વે ટ્રેકના ઉજજળ પાટા ઉપર બોલાવ્યો. આ મુજબ મૈથીલેશ આ બાળકીને લઈને રેલ્વેના પાટા પાછળના ઉજજળ વિસ્તારમાં લઈ ગયો અને ત્યાં બાળકી ઉપર દુષ્કર્મ કરવાનું શરૂ કર્યું. આ સમયે બાળકીએ ચીસાચીસ કરતા મૈથીલેશે બાજુમાં પડેલો મોટો પથ્થર ઉપાડી બાળકીના માથા ઉપર માર્યો, જેના કારણે બાળકીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.
આ દરમિયાન ભરત અને તેનો સાગરીત સ્થળ પર આવી ગયો અને ત્રણેયે ભેગા મળી બાળકીની લાશને બનાવવાળી જગ્યાએથી કમ્પાઉન્ડ વોલની પાછળ ફેંકી દીધી. ત્યારબાદ ત્રણેયે મૈથીલેશના ઘરે આવી તેના કપડા ઉપર બાળકીના લોહીના ડાઘ હતા, તે સાફ કરવા માટે કપડા ધોયા. આ બનાવની પોલીસને જાણ થતાં તાત્કાલિક સ્થળ પર આવી પંચનામા કર્યા અને મૈથીલેશે પોતાના બંને મિત્રો સાથે આ કૃત્ય કરેલુ હોવાનું જણાતા મૈથીલેશના ઘરે ન્યાય સહાયક વૈજ્ઞાનિક પદ્ધતિથી બાથરૂમનું પરીક્ષણ કર્યું, જયાં લોહીના ડાઘો દેખાયા હતા.