શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સામાજિક પહેલના ભાગરૂપે એક વર્ષથી વૈદિક વિવાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં સંસ્થા દ્વારા એક વર્ષમાં 24 વૈદિક વિવાહ કરાવી ચૂક્યું છે. આ વિવાહ માત્ર પાટીદાર સમાજ પૂરતા જ નહીં, પરંતુ સર્વજ્ઞાતિ સમાજ માટે આયોજન કરવામાં આવે છે. સંસ્થા દ્વારા શહેરના શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન, આસ્થા સોસાયટી ગેટની અંદર, આંબેડકર ચોક, 150 ફૂટ રિંગ રોડ ખાતે વિવાહ કરાવાય છે. જેમાં એક દિવસના 4 વિવાહ થઇ શકે તે પ્રકારનું આયોજન કરાયું છે. આ ચાર સ્લોટમાં સવારે 8થી 10, 10થી 12 બપોરે 2થી 4 અને 4થી 6 વાગ્યા સુધીનું આયોજન કરાઇ છે.
આ વૈદિક વિવાહ અંતર્ગત આજે સવારે 10થી 12 વાગ્યા દરમિયાન પાટીદાર સમાજના એવા યુગલના વિવાહ યોજાશે જે સમગ્ર સમાજ માટે એક શીખ મળે છે. જેમાં વર રવિભાઇ રામાણી અમરેલીમાં એકાઉન્ટ ઓફિસર (ક્લાસ-1 અધિકારી) અને કન્યા કિંજલબેન સાંગાણી ગાંધીનગરમાં ડેપ્યુટી સેક્શન ઓફિસર (ડી.વાય.એસ.ઓ)(ક્લાસ-3) અધિકારી હોવા છતાં સાદગીપૂર્વક વિવાહ કરવાનું પસંદ કર્યું છે. બન્નેના પરિવાર રાજકોટ ખાતે રહે છે તથા આ બન્ને યુગલના એરેન્જ મેરેજ છે.
આ વિવાહની વિશેષતા એ છે કે, આજના બન્ને યુગલ સક્ષમ હોવા છતાં ભભકાદાર વિવાહની જગ્યાએ સાદગીથી વિવાહ કરશે. જેનો હેતુ છે કે, અત્યારના ખોટા ખર્ચા તથા દેખાદેખી વધી ગઇ છે. તેની જગ્યાએ આ સમયમાં બન્ને સાદાઇથી વિવાહ કરી જે પૈસા બચે તેને ભવિષ્યમાં પોતાના માટે, પરિવાર તથા બાળકો માટે બચતનો ઉપયોગ કરશે. આજના આ વિવાહથી અન્ય લોકોને પણ પ્રેરણા મળે અને ઝાકઝમાળવાળા લગ્નની બદલે પૈસાની બચત કરે તેવો ઉદ્દેશ્ય રહેલો છે.
સંસ્થા તરફથી આ સુવિધા પૂરી પડાઇ છે સંસ્થા દ્વારા આખા વર્ષ દરમિયાન કોઇ પણ જ્ઞાતિના યુગલને વિવાહ કરવા હોય તે માટે અહીં મંડપ, સમગ્ર ડેકોરેશન, પાણી વ્યવસ્થા, સમગ્ર વિધિની સામગ્રી, સફાઇ, ગોરઅદાની દક્ષિણા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. આ ઉપરાંત બન્ને પક્ષ તરફથી 25-25 લોકોનો સમાવેશ થાય તે પ્રકારની સુવિધા આપવામાં આવે છે. પરિવાર તરફથી નાસ્તો, આઇસક્રીમ રાખવાની છૂટ અપાય છે.