રાજકોટમાં આજથી થશે ત્રણ દિવસ આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનો આરંભ

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું 11મું પ્રદર્શન આજથી શરૂ થઇ રહ્યું છે જે ત્રણ દિવસ એટલે કે 13 માર્ચ સુધી ચાલશે. સતત 11મી વખત થનાર આ આયોજનમાં 20થી વધુ દેશના 100 ડેલિગેટ્સ જોડાશે તેમજ 25 હજારથી વધુ સ્થાનિક લોકો મુલાકાત લેશે.

રાજકોટના આજી વસાહત અમૂલ સર્કલ પાસે આવેલા એનએસઆઇસી ગ્રાઉન્ડ ખાતે આ આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનો પ્રારંભ થશે. સવારે 10થી સાંજે 6 કલાક સુધી ચાલુ રહેનાર આ વેપાર મેળામાં દરેક લોકો માટે પ્રવેશ વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે. આ મેળામાં 90થી વધુ કંપની ભાગ લઇ રહી છે. સૌથી મહત્ત્વનું સ્ટાર્ટઅપ અને મહિલા ઉદ્યમીને પણ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. જેમાં નાનામાં નાના ઉત્પાદક કે વેપારીઓ સરકારની સબસિડીના માધ્યમથી દેશ વિદેશનો વેપાર વિકસાવી શકશે.

આ આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને સાઉથ આફ્રિકાના ડેલિગેટ્સ જોડાશે. જેઓ એગ્રિકલ્ચર ઇક્વિપમેન્ટ, ફૂડ પ્રોસેસિંગ મશીનરીઝ, ઓટો અને એન્જિન પાર્ટસ, બિલ્ડિંગ મટિરિયલ્સ, એન્જિનિયરિંગ એસેસરીઝ, હર્બલ પ્રોડક્ટ સહિતની ખરીદી કરશે. તેમજ 14થી 16 માર્ચ 3 દિવસ રાજકોટની અલગ અલગ ફેક્ટરીની મુલાકાત લઇ ત્યાં બનતી પ્રોડક્ટની માહિતી મેળવશે. શ્રીલંકાનું 15 સભ્યનું પ્રતિનિધિ મંડળ આ વેપાર મેળામાં જોડાઇ બિલ્ડિંગ મટિરિયલ્સને લગતી તમામ પ્રોડક્ટની માહિતી લેશે. આ ઉપરાંત ઝિમ્બાબ્વે સરકારના 36 સભ્યનું પ્રતિનિધિ મંડળ જોડાઇ મહિલાઓ દ્વારા તૈયાર થતી વસ્તુઓ પર આયાત જકાત માફ કરશે. ત્યારે રાજકોટ સૌરાષ્ટ્ર માટે નિકાસ વેપાર માટે ઉત્તમ તક સર્જાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *