લઘુતમ વેતન ચૂકવવા ઉપરાંત કાયમી કરવા તેમજ સારો મોબાઇલ આપવા સહિતની માંગણીઓને લઈને આજથી 2 દિવસ ગુજરાતની 1 લાખ આંગણવાડી બહેનો આજથી 2 દિવસની હડતાલ પર ઊતરી ગયા હતા. જેમાં રાજકોટ જિલ્લાની 5 હજારથી વધુ બહેનો આજથી હડતાલ પર ઊતરી ગઈ છે. રાજકોટના જ્યુબિલી ગાર્ડન ખાતે મોટી સંખ્યામાં બહેનો એકત્ર થઈ હતી અને લઘુતમ વેતન ચૂકવવા માટે ઉગ્ર સૂત્રોચ્ચાર પોકાર્યા હતા અને છાજિયાં પણ લીધાં હતાં. આ તકે બહેનોએ આંગણવાડી સદંતર બંધ કરવાની સાથે લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આંગણવાડી બંધ રહેતા આજથી બે દિવસ 62,000 બાળકોનું ભણતર બગડશે.
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં સૌરાષ્ટ્ર રિજિયન મહામંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રમુખ સંગીતાબેન દવેએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 2,500 જેટલી આંગણવાડી આવેલી છે. જેમાં આંગણવાડી વર્કર અને હેલ્પર સહિત 5 હજારથી વધુ બહેનો આજથી 2 દિવસની હડતાલ પર છે. રાજકોટ જિલ્લાની આંગણવાડીઓમાં 62,000થી વધુ બાળકો છે, પરંતુ આજથી 2 દિવસ આંદોલનને કારણે આંગણવાડી બંધ રાખવામાં આવી છે. બહેનોને લઘુતમ વેતન દર આપવા ઉપરાંત પગાર વધારા સહિતની માંગને લઈને આજે રાજકોટ શહેરના જ્યુબિલી મેદાન ખાતે બહેનોએ સૂત્રોચ્ચાર પોકારી વિરોધ નોંધાવ્યો હતો. શનિવારે રાજકોટમાં આંગણવાડી બહેનો વિશાળ રેલી કાઢી વિરોધ નોંધાવશે.