શહેરના પેડક રોડ પર આવેલી ક્લિનિકમાં ઘૂસી વર્ષ 2014માં વૈદ્ય અમૃત પ્રજાપતિની ગોળી ધરબીને હત્યા કરવામાં આવી હતી, હત્યાના કાવતરામાં સંડોવાયેલા અને દસ વર્ષથી ફરાર આરોપીને રાજકોટ પોલીસની ટીમે કર્ણાટકમાં અાશારામ આશ્રમમાંથી ઝડપી લીધો હતો, આરોપી સુધી પહોંચવા પોલીસે સાધકનો વેષ ધારણ કર્યો હતો.
વડોદરાના વૈદ્ય અમૃત પ્રજાપતિ વર્ષ 2014માં રાજકોટના પેડક રોડ પર આવેલી ક્લિનિકમાં દર્દીઓને તપાસી રહ્યા હતા ત્યારે ધસી આવેલા શખ્સોએ ફાયરિંગ કરી અમૃત પ્રજાપતિની હત્યા કરી નાખી હતી, આ મામલામાં પોલીસે કાર્તિક સહિત અગાઉ ત્રણ આરોપીને ઝડપી લીધા હતા, આ મામલાની તપાસ સીઆઇડી ક્રાઇમ ચલાવી રહી છે અને આઠ આરોપી ફરાર હતા, આઠ પૈકીનો એક આરોપી મહારાષ્ટ્રના સોલાપુરનો વતની કિશોર બાલકૃષ્ણ બોડકે (ઉ.વ.37) કર્ણાટકમાં આવેલા આશારામ આશ્રમમાં છુપાયો હોવાની માહિતી મળતાં રાજકોટ ક્રાઇમબ્રાંચના એએસઆઇ જલદીપસિંહ વાઘેલા અને અર્જુનભાઇ ડવ સહિતની ટીમ ચાર દિવસ પહેલા કર્ણાટક પહોંચી ગઇ હતી. આશ્રમ નજીક પોલીસની ટીમે રોકાણ શરૂ કર્યું હતું અને દરરોજ સાધકના સ્વાંગમાં આશ્રમમાં દર્શન કરવા જવાનું શરૂ કર્યું હતું, પોલીસની ટીમ પાસે કિશોર બોડકેની તસવીર હતી, કિશોર બોડકે આશ્રમમાં દેખાતા જ પોલીસની ટીમે તેના પર વોચ વધારી હતી અને અંતે કિશોરને કોર્ડન કરી સ્થાનિક પોલીસની મદદ લઇ રાજકોટ પોલીસ કિશોર બોડકેને આશ્રમમાંથી રાજકોટ ઉઠાવી લાવી હતી.
ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, હત્યાના ગુનામાં ફરાર કિશોર બોડકે અગાઉ વડોદરા અને સુરતના આશારામ આશ્રમમાં રહેતો હતો, ત્યાં તપાસ કરી તો તે જતો રહ્યો હતો, દેશભરમાં અાશારામના 400થી વધુ આશ્રમ છે તેમાંથી કિશોર બોડકે ક્યાં છુપાયો છે તે નક્કી કરવું પડકારજનક હતું, અંતે કર્ણાટકમાંથી ઝડપી લીધો હતો.