આજના સમયમાં મોંઘવારી આસમાને પહોંચી છે, ત્યારે સામાન્ય માણસ માટે બીમારી એ આર્થિક સંકટ સમાન બની જાય છે. સામાન્ય તાવ કે શરદી માટે પણ કોઈ નાના દવાખાને જઈએ તો 500 રૂપિયા ક્યાં વપરાઈ જાય તેની ખબર નથી પડતી. જ્યારે ગંભીર બીમારીઓની સારવારમાં તો ઘરના ઘર વેચાઈ જવાની નોબત આવે છે.
આવા કપરા સમયમાં રાજકોટનું ‘સદ્દભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર’ લાખો દર્દીઓ માટે આશાનું કિરણ બનીને ઊભર્યું છે. સેવાની આ સરવાણી કેટલી વિશાળ છે તેનો અંદાજ તેના આંકડા પરથી લગાવી શકાય છે. છેલ્લા દોઢ વર્ષમાં જ આ મેડિકલ સ્ટોરે દર્દીઓને કુલ 9 કરોડ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપીને મોટી આર્થિક રાહત આપી છે.
સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે, મેડિકલ સ્ટોર પર જો કોઈ ઓળખાણ હોય તો માંડ 5 કે 10 ટકા વળતર મળે છે, પરંતુ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા ચોકમાં આવેલા સદ્દભાવના મેડિકલ સ્ટોરમાં કોઈ લાગવગ કે ઓળખાણની જરૂર નથી. અહીં આવતા દરેક દર્દીને દવાઓ પર 20% થી લઈને 60% સુધીનું સીધું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.
આ સંસ્થા ‘નહીં નફો, નહીં નુકસાન’ના પવિત્ર સિદ્ધાંત પર કાર્ય કરી રહી છે. આજના સમયમાં ડાયાબિટીસ અને બ્લડપ્રેશર (BP) જેવી બીમારીઓ ઘરે-ઘરે જોવા મળે છે. આ એવી બીમારીઓ છે જેની દવા આજીવન લેવી પડે છે. મધ્યમ અને ગરીબ વર્ગ માટે દર મહિને દવાનો મોટો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ હોય છે.