લોકસભાની ચૂંટણી જાહેર થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સરકાર ધડાધડ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી રહી છે. આજરોજ 7 માર્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં તેમના હસ્તે રૂ.705.42 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી રાજકોટને ભેટ આપવામાં આવી છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 100 વર્ષ બાદ રાજકોટને નવા રેસકોર્સની ભેટ તો મળી છે, પરંતુ હજુ પણ તેનું કામ અધૂરું હોવાથી લોકો માટે 1 મેથી ખુલ્લું મુકવામાં આવશે. આ અંગેની જાહેરાત પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ માત્ર ચૂંટણીલક્ષી લોકાર્પણ થતું હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ અગાઉ રેસકોર્સનું લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે કરાવવા માટે મનપા પ્રયાસો કરી રહ્યું હતું, પરંતુ અધૂરું કામ હોવાથી પીએમઓ દ્વારા અધૂરા કામના લોકાર્પણ અંગે મનાઈ ફરમાવી દેવામાં આવી હતી.
આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં તેમના હસ્તે સ્માર્ટ સિટી એરીયામાં ‘અટલ સરોવર’, ‘અમૃત’ યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના કુલ રૂ.108.47 કરોડના પાંચ પ્રોજેક્ટ અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (SJMMSVY) હેઠળ ‘રૂડા’નો રૂ.95.14 કરોડના બલ્ક વોટર સપ્લાય પ્રોજેક્ટ એમ કુલ રૂ.339.61 કરોડના સાત પ્રોજેક્ટ્સના લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ ‘અમૃત’ યોજના હેઠળ મનપાના રૂ. 291.49 કરોડના 22 વિકાસકામો અને SJMMSVY હેઠળ રૂ.74.32 કરોડના સાંઢીયા પૂલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તેમજ આવાસ યોજના ડ્રો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ રૂ. 705.42 કરોડના 30 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે.