રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળવાની તૈયારી શરૂ થઈ ચૂકી છે. કારણ કે આવતીકાલે 27 નવેમ્બરના આ માટે જ જામનગર કસ્ટમ વિભાગની ટીમ ઇન્સ્પેક્શન માટે આવી રહી છે. જે પહેલા આજે મોબાઇલ નેટવર્ક અને વાઇફાઇની સમસ્યા દૂર કરવા માટે BSNLની ટીમના સવારથી અહીં ધામા નંખાઈ ગયા છે. આ સાથે જ દરરોજ 30 મુસાફરો પાસેથી ફિડબેક લેવાનું શરૂ કરાયું છે. જેમાં મુસાફરો દ્વારા મોબાઇલ નેટવર્ક, વાઇફાઇ કનેક્ટિવિટી ન હોવાની સમસ્યા રજૂ કરી છે તો ફૂડ માટેની સુવિધા વધે તેવી પણ માંગણી કરવામાં આવી છે. જ્યારે ગુજરાતના એકમાત્ર ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થાય તે માટેની પણ અનેક મુસાફરોએ ડિમાન્ડ કરતાં હવે એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા તે માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે સ્થિત હિરાસરમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું નવું ટર્મિનલ રૂ.326 કરોડના ખર્ચે નિર્માણ પામેલુ છે. જોકે આમ છતા મોબાઈલ નેટવર્ક ન મળવું, વાઇફાઇ બંધ હોવા ઉપરાંત ખાણીપીણીના સ્ટોલ અને પીવાના પાણી સહિતની અનેક અસુવિધા બાબતે મુસાફરોના અવારનવાર સોશિયલ મીડિયામા વીડિયો વાઇરલ થઈ ચૂક્યા છે, ત્યારે આખરે એરપોર્ટ ઓથોરીટી જાગૃત બની હોય તેમ મોબાઈલ કવરેજ-વાઈફાઈ, ટર્મિનલની અંદર ફુડ આઉટલેટસ શરૂ કરવાની દીશામાં સક્રિય પ્રયાસો હાથ ધર્યા છે. કરોડોના ખર્ચે બનેલ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં હજુ સુધી એક પણ ઈન્ટરનેશનલ ફલાઈટ શરૂ થઈ નથી. તેવામાં આવતીકાલે તા.27ના રોજ જામનગર કસ્ટમની એક ટીમ એરપોર્ટની મુલાકાત લઈ નિરીક્ષણ કરી શું શું જરૂરીયાત છે તેની સમક્ષા કરશે.