રાજકોટ મનપા દ્વારા શહેરમાં સિટી બસ દોડાવવામાં આવી રહી છે. જેમાં 52 બસ ડીઝલ સંચાલીત હોય પ્રદૂષણમાં વધારો કરી રહી છે. આથી સરકાર પાસે ઈલેક્ટ્રિક અને સીએનજી બસની માગ કરવામાં આવી હતી. જેને લઈ સરકાર દ્વારા હાલ 100 CNG બસ આપવામાં આવનાર છે. આગામી માસથી તબક્કાવાર નવી બસો આવતા જૂની ધૂમાડા ઓકતી ડીઝલ બસો નોનયુઝ કરાશે. તેમજ જરૂરિયાત મુજબનાં નવા રૂટ પણ શરૂ કરવામાં આવશે.
મ્યુનિ. કમિશનર આનંદ પટેલના જણાવ્યા મુજબ, આગામી માસથી તબક્કાવાર પ્રધાનમંત્રી યોજના અંતર્ગત 100 CNG બસ ફાળવવામાં આવશે. જૂલાઈ માસ સુધીમાં તમામ બસો આવી જશે. શહેરમાં દોડતી ડીઝલ બસના સ્થાને CNG બસ દોડાવવા સરકાર પાસે બસ માગવામાં આવી હતી. જે મંજૂર થઈ જતાં આવતા મહિનાની શરૂઆતમાં પ્રથમ 25 CNG બસ તેમજ બાદમાં તબક્કાવાર વધારાની 75 બસ આવશે. જેને લઈને ટૂંક સમયમાં તમામ 52 ડીઝલ બસ સામે સીએનજી બસ મુકવામાં આવશે.