રાજકોટનાં સ્માર્ટ સિટી અને અટલ સરોવરનું લોકાર્પણ તાજેતરમાં કરવામાં આવ્યું હતું. તેમાં કેટલીક કામગીરી બાકી હોવાથી લોકો માટે આગામી 1મેનાં રોજ ખુલ્લું મૂકવામાં આવશે. રૈયાગામ પાસે બનેલા આ અટલ સરોવર અને સ્માર્ટ સિટીનું કામ પૂર્ણ થઈ ગયું છે. જેમાં અટલ સરોવરની બાજુમાં પાર્ટીપ્લોટ બનાવવામાં આવ્યો છે. આગામી 1મે બાદ આ પાર્ટીપ્લોટ લોકોને લગ્ન સહિત વિવિધ પ્રસંગો માટે ભાડેથી આપવામાં આવશે. આ ઉપરાંત સ્માર્ટ સિટીમાં ફેરવ્હીલ ગાર્ડન, ફાઉન્ટેન શો સહિતના નવા નજરાણાનો લાભ રાજકોટવાસીઓને મળી રહેશે. આગામી સમયમાં બેબી ટ્રેન સહિતના અનેક જુદા-જુદા આકર્ષણોનો વધારો પણ અહીં કરવામાં આવશે.
રાજકોટ મ્યુ. કમિશ્નર આનંદ પટેલનાં જણાવ્યા મુજબ આગામી તા. 1મેથી કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ અટલ સરોવર અને સ્માર્ટ સિટી એટલે કે રેસકોર્ષ-2 લોકો માટે ખુલ્લું મુકવામાં આવશે. હાલ અહીં તમામ પ્રકારની કામગીરી પૂર્ણ થઈ છે. શહેરીજનો સ્માર્ટ સિટીની રૂ. 20 પ્રવેશ ફી આપી અંદરના તમામ નવા નજરાણા નિહાળી શકશે તેમજ અલગ-અલગ ફી આપીને તેનો લાભ લઈ શકશે. હાલ ખાસ પ્રકારનો ગાર્ડન તેમજ ફેરીવ્હીલ અને ફાઉન્ટેન શો શરૂ કરવામાં આવશે તેમજ આ અટલ સરોવરની બાજુમાં પાર્ટી પ્લોટ બનાવવામાં આવ્યો છે. જેનું બુકીંગ કરી લોકો પોતાના પ્રસંગોમાં ઉપયોગમાં લઈ શકશે. ટૂંક સમયમાં પાર્ટી પ્લોટની ફી અને અલગ-અલગ રાઈન્ડસની ફી નકકી કરવામાં આવશે.