રાજકોટ શહેરની સ્થાપના બાદ મહાનગરપાલિકા દ્વારા લોકોને સ્વસ્થતાના પાઠ ભણાવી શકાય તે માટે 80 ફૂટ રોડ પર શેઠ હાઇસ્કૂલ અને રેસકોર્સ ખાતે બે વ્યાયામ શાળા શરૂ કરી હતી.
રાજકોટના રેસકોર્સના મેદાનમાં આવેલી વ્યાયામ શાળા એટલે કે જીમને આજે 50 વર્ષથી વધુ સમય થઇ ગયો છે ત્યારે હજુપણ તે શહેરના તમામ આધુનિક જીમને પાછળ છોડી દે તેવા અદભુત માહોલની માલિકી ધરાવે છે.
આ વ્યાયામ શાળામાં અત્યાર સુધીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના દોઢ લાખથી વધુ વ્યાયામવીરો તૈયાર થયા છે. અહીંથી તાલીમ લીધેલા 700થી વધુ યુવાનને પોલીસ, આર્મી, ફાયર બ્રિગેડ સહિત વિવિધ સરકારી વિભાગોમાં પ્રતિષ્ઠાભરી સરકારી નોકરી મળેલી છે. સૌથી મોટી બાબત એ છે કે, આ વ્યાયામ શાળામાં માત્ર શારીરિક સૌષ્ઠવના પાઠ નહીં, પરંતુ તેની સાથોસાથ દેશદાઝ અને ડિસિપ્લિનના પાઠ પણ શીખવવામાં આવે છે.
રેસકોર્સ જિમનો સમય સવારે 6થી 10 અને સાંજે 5થી 9 વાગ્યા સુધીનો છે.
ખાસ કરીને શિયાળાની ઋતુમાં વ્યાયામ કરવા માટે લોકોની સંખ્યા નોંધપાત્ર રીતે વધે છે. સવારે વ્યાયામ માટે આવનારાઓની સંખ્યા સાંજની સરખામણીએ વધુ હોય છે.
આ વ્યાયામ શાળામાં એક બેન્ચ પર સરેરાશ 106 રજિસ્ટ્રેશન થાય છે. સવાર અને સાંજ એમ બંને સેશન મળીને દર ત્રણ માસે 1000થી 1200 જેટલા નવા વ્યાયામવીરો જોડાય છે, જે રેસકોર્સ જીમની લોકપ્રિયતા દર્શાવે છે.
આ વ્યાયામ શાળામાં આજુબાજુની તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ-કર્મચારીઓ ઉપરાંત પૂર્વ કોર્પોરેટર, પૂર્વ કેબિનેટ મંત્રી, પત્રકારો સહિતના અનેક લોકો પોતાની સારી સેહત માટે નિયમિત કસરત કરે છે.