હાલ દેશભરમાં એરપોર્ટ તેમજ એરલાઈન્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. દરમિયાન ગત શનિવારે રાજકોટની નામાંકિત 10 હોટલોને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેલ દ્વારા ધમકી મળતા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. તમારી હોટલમાં બોમ્બ છે, ફટાફટ ખાલી કરો તેવા અંગ્રેજી ભાષામાં આવેલા ઇ-મેલથી બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડને સાથે રાખીને ડીસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ કઈ શંકાસ્પદ નહિ મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
રાજકોટના કાલાવડ રોડ પર આવેલ હોટલ સયાજી, હોટલ સીઝન્સ, યાજ્ઞિક રોડ પર આવેલ ઈમ્પીરીયલ પેલેસ ઉપરાંત ગ્રાન્ડ રેજન્સી, ભાભા, સેંટોસા, એલીમેન્ટ્સ, જ્યોતિ, બીકોન અને પેરેમાઉન્ટ ઈન મળી કુલ 10 હોટલમાં એકસાથે જ મે-ઈલ આવ્યો હતો. આ પ્રકારના ઈ-મેલ આવતા તમામ હોટલ સંચાલકો દ્વારા પોલીસ કંટ્રોલમાં જાણ કરવામાં આવી હતી. જેથી તે વિસ્તારની સ્થાનિક પોલીસ ઉપરાંત ડીસીબી, એસઓજી, એલસીબી સહિતનો કાફલો બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ સાથે દોડી ગયો હતો.
પોલીસ દ્વારા હોટલના પાર્કિંગ, તેમજ પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો, કિચન સહિતના તમામ સ્થળો ચેક કરવામાં આવ્યા હતા, પરંતુ કઈ શંકાસ્પદ વસ્તુ નહિ મળી આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગે પોલીસે જાણવા જોગ એન્ટ્રી નોંધી ભુતિયા ઈ-મેલ અંગેની વધુ તપાસ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ મેહુલ ગોંડલીયાને સોપવામાં આવી છે.