રાજકોટની 1 સહિત દેશભરમાં 27 મિલકત વેચી રૂપિયા 500 કરોડથી વધુ રેવન્યુ જનરેટ કરવા બીએસએનએલની કવાયત

ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા ગત વર્ષે દેશભરમાં વિવિધ મિલકતો વેચી અને ભાડાની આવક થકી રૂ.800 કરોડથી વધુની આવક મેળવ્યા બાદ આ વર્ષે પણ આ સિલસિલો ચાલુ રાખી બિનઉપયોગી મિલકતોનું વેચાણ કરી આવક રળવાની કવાયત હાથ ધરી છે અને તેના ભાગરૂપે હાલમાં રાજકોટમાં 1 સહિત દેશભરમાં કુલ 27 મિલકતની ઓક્શન પ્રક્રિયા હાથ ધરી રૂ.500 કરોડથી વધુની રેવન્યુ જનરેટ કરવા તજવીજ આદરી છે.

દિલ્હીથી રાજકોટ આવેલા બીએસએનએલ કોર્પોરેટ ઓફિસ સિવિલ વિંગના અધિકારી પી.દયાલે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં જૂના માર્કેટ યાર્ડ અને આરટીઓ પાછળના વિસ્તારમાં બીએસએનએલની 12663 ચો.મી. જગ્યા લાંબા સમયથી બિનઉપયોગી પડી છે અને હવે ટેક્નોલોજી ચેન્જ થવાથી જમીનની સ્પેસની જરૂરિયાત બીએસએનએલને ઘટી છે ત્યારે આ જગ્યા રૂ.22.99 કરોડમાં ઓક્શન કરવા માટે બજારમાં મૂકી છે. આ માટે જાહેરાત આપી દેવામાં આવી છે. રાજકોટ ઉપરાંત દેશમાં અન્ય 26 જેટલી મિલકત વેચવા માટે જાહેરાત આપવામાં આવી છે અને આ 27 મિલકતની હરાજીમાંથી રૂ.500 કરોડ કરતાં વધુ રેવન્યુ આવક થવાનો અંદાજ છે. મિલકતની હરાજી થકી થનારી આવકનો ઉપયોગ નેટવર્ક અપગ્રેડેશનમાં કરાશે.

રાજકોટમાં અન્ય પાંચ મિલકત પણ બિનઉપયોગી હોય તેની હરાજી આગામી દિવસોમાં કરાશે. રાજકોટમાં 5, સૌરાષ્ટ્રમાં 13 સહિત ગુજરાતમાં કુલ 28 જેટલી જગ્યા બિનઉપયોગી હોવાનું આઇડેન્ટિફાઇ થયા બાદ તેની હરાજી માટેની કવાયત હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *