રાજકોટમાં સદસ્યતા અભિયાનના ટાર્ગેટ પૂરા કરવા ભાજપના કાર્યકરો ભાન ભૂલ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં રાજકોટમાં આવેલી રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટની આંખની હોસ્પિટલમાં મોતિયાં ઉતરાવવા માટે દાખલ થયેલા દર્દીઓને અડધીરાત્રે ઊંઘમાંથી ઉઠાડીને ભાજપના સભ્ય બનાવાતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં સૂતેલા દર્દીઓને ઉઠાડી ઉઠાડીને OTP લઈને ભાજપના સભ્યો બનાવાતા હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું. જૂનાગઢના દાખલ એક દર્દીએ આ વીડિયો વાઇરલ કરી દેતાં ભાજપનો ભાંડો ફૂટ્યો હતો. જોકે આ મુદ્દે શહેર ભાજપ-પ્રમુખ મુકેશ દોશીએ તટસ્થ તપાસ કરી પગલાં લેવાની ખાતરી આપી કાર્યકરોને પણ મર્યાદા જાળવવા ટકોર કરી છે, સાથે જ સમગ્ર ઘટના ભાજપને બદનામ કરવાનું કાવતરું હોવાની શંકા વ્યક્ત કરી એ દિશામાં પણ તપાસ કરવાની ખાતરી આપી છે.
પ્રાપ્ત વિગત મુજબ, જૂનાગઢ ત્રિમૂર્તિ હોસ્પિટલ ખાતે દર્દીઓની નોંધણી કરી ગત 16 સપ્ટેમ્બરે ઓપરેશન માટે જૂનાગઢથી રાજકોટ લાવવામાં આવ્યા હતા. દર્દીઓની સાથે એક સાથીદાર પણ આવ્યા હતા. આ સાથીદાર દ્વારા રાત્રિના દર્દીઓને ઊંઘમાંથી ઉઠાડી ઉઠાડી સદસ્ય બનાવવામાં આવ્યા હતા. જૂનાગઢના કમલેશ ઠુંમર નામના દર્દીએ મોબાઈલમાં વીડિયો ઉતારી લેતાં ભાંડો ફૂટ્યો હતો. મોટા ભાગના દર્દીઓને મેસેજ આવ્યો ત્યારે ખબર પડી કે તેઓ તો ભાજપના સભ્ય બની ગયા છે. વોર્ડમાંથી 200 કરતાં વધુ લોકોને આ રીતે સભ્ય બનાવી દીધા હોવાનો વીડિયો બનાવનાર દ્વારા દાવો કરાયો છે. આ પહેલાં પણ શાળાઓમાં અને કોલેજોમાં બળજબરી ભાજપના સભ્ય બનાવવાના મામલાઓ સામે આવી ચૂક્યા છે.