રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સુરક્ષાકર્મીઓ અને લોકો વચ્ચે ઘર્ષણના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા હોય છે. આવી જ વધુ એક ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ દર્દીને મળવા જઈ રહ્યા હતા, ત્યારે ત્યાં તૈનાત સિક્યુરિટી સ્ટાફ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા. આ બાબતે બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. મળતી માહિતી મુજબ, જ્યારે સિક્યુરિટી ગાર્ડે વૃદ્ધને અટકાવ્યા ત્યારે તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને અપશબ્દો બોલ્યા હતા. સામે પક્ષે સિક્યુરિટી સ્ટાફે પણ તેમને મર્યાદામાં રહીને વાત કરવા જણાવ્યું હતું. જોકે અંતે અન્ય લોકોની મધ્યસ્થી અને વૃદ્ધને મળવા જવાની છૂટ મળતા મામલો થાળે પડ્યો હતો. આ ઘટના અંગે સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડિયાએ જણાવ્યું હતું કે, વાયરલ વિડીયો કઈ તારીખનો છે અને ચોક્કસ શું કારણ હતું તે અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જો આ મામલે સિક્યુરિટી સ્ટાફની કોઈ પ્રકારની બેદરકારી કે ગેરવર્તણૂક જણાશે, તો તેમની સામે નિયમ મુજબ કડક પગલાં લેવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાનાં આરોગ્ય કેન્દ્રોમાં છેલ્લા સપ્તાહ દરમિયાન મચ્છરજન્ય-પાણીજન્ય રોગચાળો વકર્યો હોય તેમ શરદી-ઉધરસ અને તાવના કેસોમાં મોટો વધારો જોવા મળ્યો છે. આ સપ્તાહમાં ડેન્ગ્યુનો 1 નવો કેસ નોંધાતા ચાલુ વર્ષે કુલ પોઝિટિવ કેસનો આંકડો 3 પર પહોંચ્યો છે. અન્ય રોગોમાં શરદી-ઉધરસના 916 કેસ, સામાન્ય તાવના 727 કેસ અને ઝાડા-ઉલટીના 173 કેસ નોંધાયા છે. આ ઉપરાંત કમળાના 2 કેસ પણ નોંધાયા છે, જ્યારે મેલેરિયા અને ચિકુનગુનિયાના સાથે ટાઈફોઈડ અને મરડાના કોઈપણ કેસ નોંધાયા નથી. જો કે રોગચાળાને અટકાવવા મનપાનો આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યો છે. રોગચાળાના અટકાયતી પગલાંના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં સતત કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત આરોગ્ય ટીમો દ્વારા કુલ 13865 ઘરોમાં પોરાનાશક (એન્ટી-લાર્વા) કામગીરી કરવામાં આવી છે. અને મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા 380 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે મચ્છરના ઉત્પત્તિ સ્થાનો માટે બેદરકાર 120 રહેણાંક મકાનો અને 38 કોર્મશીયલ એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. આ તપાસમાં બાંધકામ સાઇટ, હોસ્પિટલ અને શાળાઓ સહિત કુલ 327 પ્રીમાઇસીસને આવરી લેવાયા હતા. પાણીજન્ય રોગો અટકાવવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં 972 ક્લોરીન ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *