શહેરની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાંથી શુક્રવારે મોડી સાંજે કેદી નાસી છુટતાં પોલીસબેડામાં દોડધામ મચી ગઇ હતી, ભરણપોષણ કેસના ગુનાના આ કેદી પર જાપ્તામાં રહેલા બંને પોલીસમેનની લાપરવાહી કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું, ફરાર કેદીની શોધખોળ સાથે જવાબદાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહીનો પણ ધમધમાટ શરૂ થયો હતો.
મોરબી રોડ પરના ચામડિયાવાસમાં રહેતા અબ્દુલ બાબુ કારેઠાને ભરણપોષણ કેસમાં કોર્ટે જેલહવાલે કર્યો હતો, રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલા અબ્દુલ કારેઠાને યુરિનની તકલીફ થતાં ગત તા.25ના સિવિલ હોસ્પિટલમાં લઇ આવવામાં આવ્યો હતો, ફરજ પરના તબીબે જોઇ તપાસી કેદી અબ્દુલને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો, કેદી પર ઇમરજન્સી વોર્ડમાં એક જમાદાર અને એક કોન્સ્ટેબલનો પહેરો ગોઠવવામાં આવ્યો હતો.