શહેરના સિવિલ હોસ્પિટલના પ્રિઝનર્સ વોર્ડમાં દાખલ હત્યાના આરોપી કેદીએ વોર્ડમાં ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો. કેદીના આપઘાતથી જાપ્તામાં રહેલા પોલીસ સ્ટાફ સામે અનેક સવાલો ઉઠ્યા છે. શહેરના જંક્શન પ્લોટ વિસ્તારમાં રહેતા અને પુત્રીના પ્રેમીની હત્યાના ગુનામાં જેલમાં રહેલા પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી રાજેન્દ્રભાઇ પોપટભાઇ રાઠોડે (ઉ.વ.65) ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો.
11 મહિનાથી જેલમાં રહેલા રાજેન્દ્રભાઇને કેટલાક સમયથી પેટમાં દુખાવો થતો હતો અને તેમને સારણગાંઠનું ઓપરેશન કરાવવાનું હોવાનું તબીબોએ નિદાન કરતાં બે દિવસથી રાજકોટ સિવિલ હોસ્પિટલના પ્રિઝનર્સ વોર્ડમાં તેમને ખસેડવામાં આવ્યા હતા. સોમવારે તેમના પર સર્જરી થવાની હતી. શનિવારે મોડીસાંજ સુધી રાજેન્દ્રભાઇએ તેમના ખબર અંતર પૂછવા આવેલા સંબંધીઓ સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ આપઘાત કરી લીધો હતો.
પ્રતિબંધ હોવા છતાં કેદીવોર્ડમાં દોરડું પહોંચ્યું કેવી રીતે? જ્યારે કોઇ આરોપીને પોલીસ લોકઅપમાં પૂરવામાં આવે કે, આરોપીને જેલમાં ધકેલવામાં આવે ત્યારે લોકઅપ કે બેરેકમાં કેદી કોઇ અઘટિત પગલું ભરી શકે તેવી એકપણ વસ્તુ ત્યાં રહેવા દેવાતી નથી, દોરડું, છરી, બ્લેડ, બેલ્ટ સહિતની તમામ વસ્તુ પ્રતિબંધિત હોય છે, કેદી રાજેન્દ્રભાઇએ પ્રિઝનર્સ વોર્ડમાં આપઘાત કર્યો તેમાં દોરડાનો ઉપયોગ થયો હતો, આ દોરડું બેડની પટ્ટી તૂટેલી હતી તેમાં બાંધવામાં આવ્યું હતું, આ દોરડું ત્યાં ન હોવું જોઇએ તેની પ્રિઝનર્સ વોર્ડમાં ફરજ પર રહેલા પોલીસ જવાનના ધ્યાનમાં હોવું જોઇએ, પરંતુ તેમણે લાપરવાહી દાખવી હતી, એટલું જ નહીં શહેરમાં પોલીસ હોકી ચેમ્પિયન્સ ટૂર્નામેન્ટ ચાલી રહી છે અને રવિવારે એર શો હતો જેમાં હેડ ક્વાર્ટર્સના જવાનોને બંદોબસ્ત સોંપાયો હોવાથી પ્રિઝનર્સ વોર્ડમાં કેટલાક દિવસથી અલગ અગલ પોલીસ સ્ટેશનના સ્ટાફને ડ્યૂટી સોંપવામાં આવી હતી. કેદીએ આપઘાત કર્યો ત્યારે કુવાડવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ફરજ પર હતો, તેમને કેદીપાર્ટી અને પ્રિઝનર્સ વોર્ડની ડ્યૂટીનો અનુભવ નહીં હોવાથી આ ઘટના બની હોવાનું પોલીસ વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.