રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ વિવાદોમાં ઘેરાયેલી રહે છે ત્યારે હાલ વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી સાથે ડૉક્ટરે ગેરવર્તન કર્યું હોવાના આરોપો લાગ્યા છે. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં ડૉક્ટરે વીડિયો બનાવનારની માતાને ‘તું’ કહીને બોલાવ્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જોકે, આ અંગે સિવિલ અધિક્ષક ડૉ. આર. એસ. ત્રિવેદી દ્વારા વીડિયો 15-20 દિવસ પહેલાનો હોવાનો ઉપરાંત આ બાબતે સમાધાન થયું હોવાનું જણાવાઈ રહ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ હાલ સોશિયલ મીડિયામાં સિવિલ હોસ્પિટલનો એક વીડિયો ભારે વાઈરલ થયો છે. જેમાં કોઈ દર્દીના સગા ડૉક્ટરે મોબાઈલનાં ઘા કર્યા હોવાનું જણાવી રહ્યા છે તેમજ વારંવાર બોલાવવા છતાં તબીબ નહીં આવતા હોવાનો આરોપ ડોક્ટર સમક્ષ જ લગાવે છે. તું ડોક્ટર નહીં પણ ખાટકી છો તેમ કહીને આ દર્દીના સગા તેમને નરકમાં જવાના છો તેવું કહી રહ્યા છે. તેમજ આ લોકો કોકનો ખાર કોક ઉપર ઉતારતા હોવાનું અન્ય પેશન્ટોને જણાવાઈ રહ્યું છે. પોતાના મમ્મી 65 વર્ષના વૃદ્ધ હોવા છતાં ડોક્ટરે તું કહીને બોલાવ્યા હોવાનું પણ દર્દીના સગા જણાવી રહ્યા છે. અને ડોક્ટર પાસે નામ બોલાવતા ડોક્ટર પોતાનું નામ મંથન મોદી હોવાનું કહી રહ્યા છે. આ સિવાય આખા વીડિયોમાં ડોક્ટર મૌન જ જોવા મળે છે.