રાજય સરકાર દ્વારા તમામ મહાનગરો, પાલિકા કક્ષાના શહેરોએ સીટી બ્યુટીફીકેશનની કામગીરી કરાવવામાં આવી રહી છે. આ કામગીરીની આજે એકાએક શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમારે મુલાકાત લીધી હતી. રાજકોટ મનપાના અધિકારીઓ સાથે તેમને શહેરના જુદા જુદા વિસ્તારોની વિઝીટ કરવા સાથે જરૂરી ચર્ચા કરી હતી. નગરને સ્વચ્છ રાખવા સાથે સુંદર પણ બનાવવાના આ અભિયાનમાં મહાનગરપાલિકા સિવાય રાજય સરકારની અન્ય કચેરીઓ પણ જોડાય અને પોતપોતાની સરકારી મિલકતો રંગરોગાનથી સુંદર બનાવવા સૂચન કર્યુ હતું.
મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં વિવિધ શાખા દ્વારા જુદા-જુદા વિસ્તાર અને રોડ પર બ્યુટીફિકેશનની કામગીરી ચાલી રહી છે. જેમાં ત્રણેય ઝોનમાં વોર્ડ વાઈઝ ટીમો બનાવી રોડની સઘન સાફ-સફાઈ, ફૂટપાથ રીપેરીંગ, ડીવાઈર રીપેરીંગ, વોલ પેઇન્ટિંગ, થર્મોપ્લાસ્ટ પટ્ટા, ઝીબ્રા ક્રોસીંગ, પ્લાન્ટેશન, શહેરના એન્ટ્રી-એક્ઝીટ સર્કલ ડેકોરેશન, રોડ ડીવાઈડર કલરકામ, વેક્યુમ મશીનથી મેઈન રોડ પર રાત્રી સફાઈ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. અશ્વિની કુમારે શહેરના અલગ-અલગ વિસ્તાર જેવા કે, માલવીયા ચોક, યાજ્ઞિક રોડ, આમ્રપાલી અન્ડરબ્રિજ, કોટેચા ચોક, 150 ફૂટ રિંગ રોડ પરનો બી.આર.ટી.એસ. રૂટ, ગ્રીનલેન્ડ ચોકડી વગેરે સ્થળની ફીલ્ડ વિઝિટ કરી કામગીરી અંગે માહિતી મેળવી હતી તેમજ કેટલાક સૂચનો પણ કર્યા હતા. આ તકે ડે.કમિશ્નર સ્વપ્નિલ ખરે, ચેતન નંદાણી વગેરે હાજર રહ્યા હતા.