રાજ્યના 50 હજાર કોચિંગ ક્લાસના 10 લાખ વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ ધરાવતા ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનની રાજ્યની ટીમ આજે રાજકોટ પહોંચી હતી. શાળાઓમાં 150 લોકોની ટીમ દ્વારા જનતા રેડ પાડવામાં આવી હતી. જેમાં મોદી-ધોળકિયા સહિત ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ 18 શાળાઓમાં કયા સમયે ગેરકાયદેસર ટ્યુશન ક્લાસ ચાલે છે તેની માહિતી આપી હતી. આ તમામ શાળાઓમાં ટ્યુશન ક્લાસ બંધ કરાવવા જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ માગ કરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશ રાણીપાએ વેકેશન બાદ શાળાઓ શરૂ થાય ત્યારે ઇન્સ્પેક્શન કરી પગલા લેવા બાંહેધરી આપી હતી.
ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન પ્રમુખ હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, અમદાવાદ, વડોદરા અને સુરતથી કોચિંગ ક્લાસ એસોસિએશન ટીમ રાજકોટ આવી છે. રાજ્યના 50 હજાર કોચિંગ ક્લાસનું આ એસોસિએશન છે. જેમાં 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ-વાલીઓ સંકળાયેલા છે. આજે 150 થી વધુ સ્ક્વોડ એ કરેલી જનતા રેડમાં શાળાનાં ટ્રસ્ટીએ સ્વીકાર્યું કે ‘અમે બપોર બાદ બહારના વિદ્યાર્થીઓને બોલાવી ટ્યુશન ક્લાસ ચલાવીએ છીએ’. જેનું લિસ્ટ અમે જિલ્લા શિક્ષણ અધિકારીને આપ્યું છે.