રાજકોટની 16 વર્ષની સગીરાનું અપહરણ કરી ગોંડલના શખ્સે એક મહિના સુધી ગોવા હોટલોમાં લઇ જઈ સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધવાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે સગીરાના વાલીને જાણ થતા ગાંધીગ્રામ પોલીસે આરોપી અરમાન ગોદાણી વિરુધ્ધ દુષ્કર્મ તેમજ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક પુછપરછ દરમિયાન આરોપીએ સગીરાનો ઇન્સ્ટાગ્રામ મારફત સંપર્ક કેળવી પ્રેમજાળમાં ફસાવી ગોવા લઇ જઇ હોટલમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઉલ્લેખનીય છે કે આરોપીએ પોતાનો મોબાઈલ વેંચી રૂપિયા મેળવી બાદમાં સગીરાને પણ તેના ઘરેથી રૂપિયા લાવવાનું કહી તેના ઘરેથી ભગાડી ગોવા લઇ ગયો હતો અને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી બાદમાં એક મહિના પછી સગીરાને પરત તેના ઘરે મૂકી જતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
બનાવ અંગે ભોગબનનાર 16 વર્ષની સગીરાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલ અરમાન સલીમ ગોદાણીનું નામ આપતા ગાંધીગ્રામ પોલીસે દુષ્કર્મ, પોકસો, અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, છેલ્લા એકાદ વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ મારફત આરોપી તેના સંપર્કમાં આવ્યો હતો જે બાદ આરોપીએ સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ મારફત પરિચય કેળવ્યો હતો અને બંને સોશિયલ મીડિયામાં મેસેન્જર એપ મારફત વાતચીત કરતા હતા. દરમિયાન આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્ન કરવાની લાલચ પણ આપી હતી.
આ પછી એકાદ માસ પહેલા સગીરાને ફરી વખત લગ્ન કરવાની લાલચ આપી તેના વાલીના કાયદેસરના વાલીપણાંમાંથી અપહરણ કરી અવારનવાર અલગ અલગ જગ્યાએ ફરવા માટે લઈ જતો હતો. દરમિયાન તે સગીરાને ગોવા ખાતેની કલગુટ હોટલમાં લઈ ગયો હતો અને ત્યાં સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ પાંચેક દિવસ પહેલા સગીરા પોતાના ઘરે આવતા વાલીએ તે ક્યાં ગઈ હતી તે બાબતે પૂછતા સગીરા ભાંગી પડી હતી અને તેની સાથે થયેલ કૃત્ય અંગે પરિવારને જણાવતા પરિવાર પણ ચોકી ઉઠ્યો હતો બનાવની જાણ થતા તુરંત જ પરિવાર ગાંધીગ્રામ પોલીસ મથકે દોડી ગયો હતો.