રાજકોટમાં આઝાદીકાળની વિરાણી હાઇસ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે. સરકારી જમીન પરની હાઈસ્કૂલના આ મેદાનમાં ચાલતી કોમર્શિયલ પ્રવૃત્તિઓ ગેરકાયદેસર હોવાથી તે બંધ થવી જોઈએ અને વિદ્યાર્થીઓ અને ખેલાડીઓ માટે મેદાન ખુલ્લું થવું જોઈએ અને મેદાનનું વેચાણ ન થવું જોઈએ તેવી માંગણી સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મેદાન બચાવો સમિતિ દ્વારા 27 ડિસેમ્બરે નવેમ્બરે આગામી રણનીતિ માટે એક બેઠક મળવાની છે. જેની સામે વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટ તરફથી વકીલ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, જમીન વેચાણની કોઈ વાત નથી. અત્યારે કોમર્શિયલ પ્રવૃતિઓ ચાલી રહી છે તે જગ્યા સરકારી નથી પરંતુ ખાનગી ટ્રસ્ટની છે.
‘વિરાણી હાઇસ્કૂલની જમીન સરકારી હેતુ માટે આપેલી છે’ વિરાણી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને આંદોલનકારી પરસોતમ પીપળીયાએ જણાવ્યું હતું કે, વિરાણી હાઇસ્કૂલની જમીન સરકારી હેતુ માટે આપેલી છે. જેનો કોઈ કોમર્શિયલ ઉપયોગ થઈ શકશે નહીં. શૈક્ષણિક હેતુ માટે ઉપયોગ નહીં થઈ શકે કે ભાડે પણ નહીં આપી શકાય. તેમાંથી નફો રળી શકાશે નહીં. આમ છતાં પણ વિરાણી હાઈસ્કૂલના હાલના ટ્રસ્ટીઓ દ્વારા મોટું ખાણીપીણીનું બજાર ઊભું કરી દીધું છે. આ ઉપરાંત ત્યાં બોક્સ ક્રિકેટ પણ બનાવવામાં આવેલું છે. જેથી તેની સામે શરત ભંગના પગલા લેવાવા જોઈએ. જે અરજી અમારી કલેક્ટર સમક્ષ છે. પ્રાંત અધિકારીને પણ અરજી આપેલી છે. જેથી આ બાબતે કાર્યવાહી કરી રાજકોટના વિદ્યાર્થીઓને ખેલાડીઓ માટે રમત ગમતનું આ મેદાન ખુલ્લું કરાવવું જોઈએ.
રાષ્ટ્રીય શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની એક બેઠક મળશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ અંદાજે રૂ. 1000 કરોડની જમીન છે. આ જમીન વેચવા માટેના પ્રયત્નો થયા હતા પરંતુ વર્ષ 2019-20માં અમે ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે તે અટકાવ્યું હતું. જેથી આ મેદાન વિદ્યાર્થીઓને ખેલાડીઓ માટે ખુલ્લું કરવામાં આવે, કોમર્શિયલ પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે અને અત્યાર સુધી ટ્રસ્ટીઓ દ્વારા કોમર્શિયલ પ્રવૃત્તિ કરી નફો મેળવવામાં આવ્યો તેનું વળતર વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવે તેવી માંગણી છે. જેને લઈને 27 ડિસેમ્બરના શનિવારે સાંજે 5 વાગ્યે રાષ્ટ્રીય શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની એક બેઠક મળવાની છે. વિરાણી હાઇસ્કૂલ મેદાન બચાવો સમિતિ દ્વારા આ બેઠકમાં આગામી કાયદાકીય લડતની રણનીતિ નક્કી કરવામાં આવશે.