રાજકોટની મુલાકાતે સફાઈ કર્મચારી રાષ્ટ્રીય આયોગના ચેરમેન

સફાઈ કર્મચારીઓના રાષ્ટ્રીય આયોગના ચેરમેન એમ. વેંકટેશન આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેમણે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી. આયોગના ચેરમેનએ યુનિયનના પ્રતિનિધિઓ પાસેથી સફાઈ કર્મચારીઓને લગતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. આ સાથે તંત્રના સંબંધિત અધિકારીઓ પાસેથી આ પ્રશ્નો બાબતે લેવાયેલા પગલાંની વિગતો પણ જાણી હતી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઇ કર્મચારીઓની ભરતી, સુવિધા સહિતના પ્રશ્નો રજૂ થયા હતા.

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરફથી આયોગને જણાવાયું હતું કે, રાજકોટ મહાનગરમાં ટુંક સમયમાં જ 531 સફાઈ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. આ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉપરાંત સફાઈ કર્મચારીઓ માટે અલાયદો અદ્યતન કમ્યુનિટી હોલ પણ બનાવવામાં આવશે. જેની ક્ષમતા એક સાથે ચાર-પાંચ લગ્નો થઈ શકે એટલી હશે. આના માટે બજેટમાં જોગવાઈ પણ કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત સફાઈ કર્મચારીઓને નિયમિત દર મહિને વેતન મળી જાય તે માટે કોન્ટ્રાક્ટર માટે ટેન્ડરની શરતોમાં બદલાવ કરવામાં આવ્યો છે. સફાઈ કર્મચારીઓને લઘુતમ વેતન મળે તે નિશ્ચિત કરવામાં આવ્યું હતું. આયોગના ચેરમેનએ રાજકોટ મહાનગર, ગોંડલ, જસદણ, ધોરાજી, ઉપલેટા, જેતપુર સહિતની નગરપાલિકાઓના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સાથે વાત કરીને તેમને અપાતા પી.એફ., વીમા કવચ, અન્ય સુવિધા સહિતની વિગતો જાણી હતી. જેમાં મહિલા સહિતના વિવિધ સફાઈ કર્મચારીઓએ તેમને પૂરતી સુવિધા અપાતી હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *