રાજકોટમાં વધુ એક નમકીન બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે. નાકરાવાડી નજીક વેફર-નમકીન બનાવતી KBZ કંપનીમાં સવારે 9 વાગ્યે આગ લાગતા દોડધામ મચી હતી. હાલ આગ 80 ટકા કાબૂમાં આવી ગઇ છે, આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. સંપૂર્ણપણે આગ પર કાબૂ મેળવતા 7થી 8 વાગ્યા જેટલો સમય લાગી શકે. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા શરૂઆતમાં એક અને બાદમાં આગ વિકરાળ હોવાથી વધુ ચાર ગાડી સ્થળે બોલાવામાં આવી છે. હાલમાં 50થી વધુ ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પણ આગને કારણે મોટું નુકસાન થવા પામ્યું છે. શરૂઆતમાં આગ એટલી વિકરાળ હતી કે, તેના ધુમાડાના ગોટેગોટા પાંચ કિલોમીટર સુધી દેખાયા હતાં.
KBZ ફૂડ લિમિટેડ નામનીના એચઆર મેનેજર સત્યજિત ઝાલાએ જણાવ્યું કે, અહીં સવારે 9 વાગ્યાનો સમય છે. 9.15 આસપાસ મને કોલ આવ્યો હતો કે, કંપનીમાં આગ લાગી છે, જેથી મેં તાત્કાલિક ફાયર વિભાગમાં જાણ કરી હતી. હું ચોખડા સર્કલથી ફાયરની ગાડીઓ સાથે જ આવ્યો હતો. વેફર્સ અને નમકીનની કંપની હોવાથી આગ વધુ ફેલાય તેવું તમામ મટિરિયલ હોવાથી આગ વધારે ફેલાઈ છે. આગ લાગવા પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી. કંપનીમાં 200થી 250 જેટલા કર્મચારી કામ કરે છે, તમામને સલામત બહાર કાઢી લેવામાં આવ્યો હતાં.