રાજકોટની ધો.9ની કિશોરી સાથે સ્કૂલ વાનમાં જ દુષ્કર્મ

રાજકોટ શહેરમાં ફરી એક વખત સ્કૂલવાનચાલકની બીભત્સ હરકત સામે આવી છે. માલવિયાનગર વિસ્તારમાં ધોરણ-9માં અભ્યાસ કરતી 14 વર્ષીય કિશોરી સાથે સ્કૂલવાનમાં જ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરનાર ચાલક રમેશ કાનાભાઈ ખરાની પોલીસે ધરપકડ કરી છે. પોક્સો (POCSO) એક્ટની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને મેડિકલ ચેકઅપ અર્થે ખસેડવામાં આવ્યો છે અને પંચનામું સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જો તમારું બાળક સ્કૂલવાનમાં સ્કૂલમાં જાય છે તો તેના પર પૂરતી નજર રાખજો. આજે રાજકોટમાં દુષ્કર્મનો એક કિસ્સો સામે આવ્યો છે, જેના કારણે માતા-પિતા પોતાનાં બાળકોને સ્કૂલવાનમાં મોકલતાં પણ ડરશે. ધો.9ની કિશોરી પર તેને સ્કૂલે લઈ જતા સ્કૂલવાનચાલકે જ દુષ્કર્મ ગુજાર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ફક્ત આટલું જ નહીં, વાનચાલકે દુષ્કર્મ ગુજારી વિદ્યાર્થિનીને ધમકાવી કે જો તે કોઈને આ અંગે જાણ કરશે તો તે તેને છોડશે નહીં.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે રમેશ ખરા પાળ ગામમાં રહે છે અને છેલ્લા એકાદ વર્ષથી તેની વાનમાં સ્કૂલે આવતી-જતી આ વિદ્યાર્થિનીનો ફોનનંબર મેળવીને વ્હોટ્સએપ કોલ અને મેસેજ દ્વારા સંપર્ક જાળવી રાખતો હતો. બે દિવસ પહેલાં સ્કૂલથી છૂટીને વાનમાં બેસેલી વિદ્યાર્થિનીને અમીન માર્ગ નજીક અવાવરૂ જગ્યાએ લઈ જઈ વાનમાં જ દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને જણાવવા નહીં દેવાની ધમકી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *