રાજકોટની જનાના હોસ્પિ.માં એક્સ-રે રૂમ બનાવાયો પણ મશીન નથી!

રાજકોટની સિવિલ હોસ્પિટલ સામે કરોડો રૂપિયાના ખર્ચે જનાના હોસ્પિટલ બનાવવામાં આવી છે. 25 ફેબ્રુઆરીએ લોકાર્પણ બાદ જલ્દી ​​​​​​કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જોકે ઉતાવળે કામ શરૂ કરવામાં આવતા હોસ્પિટલમાં દર્દીઓને અનેક મુશ્કેલીઓ પડી રહી હોવાનું સામે આવ્યું છે. ખાસ આ હોસ્પિટલમાં એક્સ-રે રૂમ બનાવાયો પણ મશીન નથી. જેના કારણે બાળ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડે છે. આ માટે કોઈ સુવિધા પણ કરાઈ નથી. તો પાણીનો અભાવ હોવાનું પણ સામે આવ્યું છે. જોકે સિવિલ અધિક્ષકે ટૂંક સમયમાં બધા પ્રશ્નો હલ થશે તેવી ખાતરી આપી છે.

પ્રાપ્ત વિગત અનુસાર અદ્યતન સેવા, સુવિધા સાથે શરૂ થયેલી જનાના હોસ્પિટલનો એક્સ-રે રૂમ અત્યારે મશીન વગર ખાલીખમ ભાસે છે. જેને લઈને જનાનામાં દાખલ થયેલા બાળકોનાં એક્સ-રે કરવાની જરૂરિયાત ઊભી થાય તો બાળકોની માતાઓ સહિત વાલીઓએ નવજાત શીશુને કાખમાં તેડીને સિવિલ હોસ્પિટલનાં એક્સ-રે રૂમ સુધી લાંબુ થવુ પડે છે. ત્યારે અહીં એક્સ-રે મશીન મુકીને દર્દીઓની બાળકોના વાલીઓની હાલાકી ક્યારે હલ કરાશે? તેવો પ્રશ્ન ઊઠ્યો છે

જનાના હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં જવા માટે સતત વાહન વ્યવહારથી ધમધમતો હોસ્પિટલ ચોક પાર કરવો પડે છે. ત્યારે નવજાત શિશુને કાખમાં તેડી સિવિલ હોસ્પિટલનાં એક્સ-રે રૂમ સુધી જવા પારાવાર મુશ્કેલી સહન કરવી પડે છે. ત્યારે આ માટે ઈ-રિક્ષાની વ્યવસ્થા કરવી જરૂરી છે. તો સાથે જનાના હોસ્પિટલમાં પાણીની સુવિધા હજુપણ શરૂ થઈ નથી. જેને કારણે દર્દીઓને તેમજ સ્ટાફને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ સુવિધા પણ તાત્કાલિક કરવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *