રાજકોટ શહેરના ગોંડલ રોડ પર પુનીતનગર પાણીના ટાંકાથી ગોંડલ ચોકડી તરફ ગત મોડીરાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂલની દીવાલમાં અથડાયા બાદ થાર ગાડી આગળ જતાં ટ્રક પાછળ અથડાઇ હતી. આ અકસ્માતને પગલે થારમાં બેઠેલા ચાર પૈકી પાડાસણ ગામના 23 વર્ષના યુવાનને ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે સ્થાનિક મજૂરની ફરિયાદ પરથી મૃતક કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ પાડાસણ રહેતો 23 વર્ષીય યુવક અજયભાઇ જયંતિભાઇ રાઠોડ રાતે દોઢેક વાગ્યે થાર ગાડીમાં બેસીને જતો હતો. દરમિયાન અકસ્માતમાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેનું મોત નિપજ્યુ઼ હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં જ માલવીયાનગર પોલીસ દોડી ગઈ હતી. અને પાડાસણ રહી મજુરી કરતાં 22 વર્ષીય રાહુલ સુરેશભાઇ પરમારની ફરિયાદ પરથી થાર ગાડીના ચાલક મૃતક અજય રાઠોડ વિરૂધ્ધ બેદરકારીથી ગાડી હંકારી અકસ્માત સર્જવાનો ગુનો દાખલ કર્યો હતો.
રાહુલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇકાલે બપોરે મિત્રને ફોન કરી કહેલું કે રાજકોટ એક મિત્રના મમ્મી ગુજરી ગયા હોવાથી રાજકોટ જવું છે તું સાથે આવ. જેથી મેં હા પાડી હતી અને થોડીવાર બાદ ઘરેથી ચાલીને રોડ પર જતાં મિત્ર ઘનશ્યામ થાર ગાડી લઇને આવ્યો હતો. આ ગાડીની ડ્રાઇવિંગ સીટ પર પાડાસણ ગામનો જ અજય રાઠોડ બેઠો હતો. ઘનશ્યામ બાજુમાં બેઠો હતો. બાદમાં અમે ત્રણેય રાજકોટ 150 ફુટ રીંગ રોડ આંબેડકરનગર ખાતે ગયા હતાં. જ્યાંથી અજયનો એક મિત્ર પણ ગાડીમાં બેઠો હતો.