રાજકોટની ગિરિરાજ હોસ્પિટલ વિવાદમાં આવી છે. અહીં વૃધ્ધનું પથરીનું ઓપરેશન કરાવવા માટે PMJAY કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે તેમનું પથરીનું ઓપરેશન થાય તે પહેલા જ હાર્ટ એટેક આવી જતા દર્દીનું ઓપરેશન રદ થયુ હતુ. જોકે દર્દીના આયુષ્યમાન ભારત કાર્ડમાંથી રૂ.41250 મંજૂર થઈ ગયા. જોકે એપ્રુવલ બાદ કેન્સલનો મેસેજ ન આવતા દર્દીના પરિવારજનો દ્વારા હોસ્પિટલ વિરુધ્ધ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જોકે આ બાબતે હોસ્પિટલના સંચાલક ડૉ. મયંક ઠક્કરે ઓપરેશન રદ થતા એક પણ રૂપિયો હોસ્પિટલે ન લીધો હોવાનો અને પથરીના ઓપરેશન માટે મળેલી એપ્રુવલ કેન્સલ કરવામાં આવી હોવાનો ખૂલાસો કર્યો છે.
ઓપરેશન ન થયું હોવા છતા કાર્ડમાંથી પૈસા કપાઈ ગયાનો આક્ષેપ અલ્પાબેન રાઠોડે જણાવ્યું હતું કે, મારા પિતા રમેશભાઈ દાવડાને પથરીના ઓપરેશન માટે રાજકોટની ગિરિરાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે જે દિવસે ઓપરેશન હતું ત્યારે તેને માઇનોર હાર્ટ એટેક આવી ગયો હતો. જેથી તે ઓપરેશન રદ થયું હતુ. અમને ડિસ્ચાર્જ સમરી પણ આપી દીધી. આયુષ્યમાન કાર્ડમાં તે ઓપરેશન કરાવવાનું હતું પરંતુ ઓપરેશન ન થયું હોવા છતાં પણ પૈસા કપાઈ ગયા. તો આવું આ લોકો કેવી રીતે કરી શકો. હવે તેમની એન્જોયોગ્રાફી પણ આ કાર્ડમાં જ કરવાની છે તો તેમાં આ પ્રકારનું કંઈ ન થાય તે જરૂરી છે. હોસ્પિટલ ગરીબ માણસોના પૈસા લૂંટી ન શકે. આયુષ્યમાન કાર્ડ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શા માટે આપવામાં આવી છે? ગરીબ માણસોને આરોગ્ય લક્ષી સારવારમાં સવલત મળી રહે. પરંતુ આમાં પણ આ પ્રકારની ગેરરીતિ થાય તો કેવી રીતે ચાલે?
એપ્રુવલનો મેસેજ આવ્યો પણ એપ્રુવલ કેન્સલ થયાનો મેસેજ ન આવ્યો- દર્દીના સ્વજન તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 71 વર્ષના રમેશભાઈને 7.8 MM ની પથરી હોવાનું નિદાન થતા ગિરિરાજ હોસ્પિટલમાં ઓપરેશન કરાવવાનું હતુ. જોકે તા.1 ડિસેમ્બરના ઓપરેશનના દિવસે જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી ઓપરેશન રદ કરવામાં આવ્યું હતુ. જે બાદ યુરોલોજી વિભાગમાંથી દર્દી ડિસ્ચાર્જ થયાની ડિસ્ચાર્જ સમરી પણ આપી દેવામાં આવી હતી. જે પછી હવે તેમની એન્જોયોગ્રાફી કરવામાં આવી રહી છે. PMJAY કાર્ડ અંતર્ગત આ ઓપરેશન કરાવવાનું હતું જે માટે રૂ.41250 મંજૂર થઈ ગયા હતા. જેનો મેસેજ પણ દર્દીના મોબાઇલમાં આવ્યો હતો. જોકે ઓપરેશન રદ થયા પછી એપ્રુવલ કેન્સલ થયાનો કોઈ જ મેસેજ આવ્યો નથી.