રાજકોટની કોઠારીયા સ્ટેશન સરકારી પ્રાથમિક સ્કૂલમાં એક મહિલા શિક્ષિકા દ્વારા ધોરણ 1થી 5ના 34 વિદ્યાર્થીઓને શારીરિક-માનસિક ત્રાસ આપવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓના જણાવ્યા અનુસાર શિક્ષિકા સ્નેહલબેન દવે બાળકોને ખૂબ માર મારે છે, ક્લાસમાં પૂરી દે છે, ઘરેથી લાવેલો નાસ્તો ખાઈ જાય છે, માથામાં તેલ નાખી ઓળાવે છે, મોબાઈલમાં ગીતો-વીડિયો જુએ છે અને ફરિયાદ કરવા પર આખો દિવસ ઊભા રાખી મુર્ગા બનાવે છે. છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી આ હેરાનગતિ સામે વાલીઓએ શાળાના આચાર્ય દ્વારા શિક્ષણ સમિતિને 4 વખત રજૂઆત કરી હતી તેમજ 25 ફેબ્રુઆરીએ 5 વાલીઓ શાસનાધિકારીને મળવા પહોંચ્યા હતા પરંતુ, તેઓ હાજર ન હતા.
શાસનાધિકારીએ જણાવ્યું કે, શિક્ષિકાને નોટિસ આપી સુધારણાની તક આપવામાં આવી છે અને ફરિયાદ ચાલુ રહેશે તો આગામી નિર્ણય લેવાશે. આ શિક્ષિકા SIR પ્રક્રિયા દરમિયાન રિલિવર તરીકે અહીં મૂકાઈ હતી અને હવે મૂળ શાળામાં પરત ન લેવાતા વિવાદ વધ્યો છે. વાલીઓએ શિક્ષિકાની બદલી અને કડક કાર્યવાહીની માંગ કરી છે.
કોઠારીયા સ્ટેશન પ્રાથમિક સ્કૂલની ધોરણ-5ની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, અમારી સ્કૂલના સ્નેહલ ટીચર અમને ખૂબ હેરાન કરે છે. તે શિક્ષક અમને બધાને બહુ મારે છે અને રૂમમાં પૂરી દે છે. જે બાદ પોતે ક્લાસની બહાર મોબાઇલમાં ગીતો સાંભળે અને વીડિયો જુએ છે. તે સ્કૂલના બાથરૂમમાં કપડા ચેન્જ કરે અને બાદમાં મેકઅપ કરતા હોય છે. સ્કૂલમાં બેઠા-બેઠા ઓનલાઇન કપડા મંગાવે છે. આ ઉપરાંત અમારી પાસે માથામાં તેલ નખાવે અને માથું ઓળાવે છે અને હાજરી પૂરવાનું કહે છે. આ દીકરી વધુમાં જણાવે છે કે, જો અમે અમારા માતા-પિતાને ફરિયાદ કરીએ તો તે દિવસે અમને આખો દિવસ ઊભા રાખે અને માર મારે છે.