રાજકોટની કલ આજ ઔર કલ’, CM અદ્ભૂત ચિત્ર-પ્રદર્શન ખુલ્લું મુકશે

રાજકોટના રેસકોર્સ સ્થિત આર્ટ ગેલેરીમાં આગામી 22 નવેમ્બરના રોજ એક ભવ્ય અને વિશાળ ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, ‘રાજકોટની કલ આજ ઔર કલ’ જેવા આ ખાસ ચિત્ર પ્રદર્શનને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લું મુકવામાં આવનાર છે. આ ચિત્ર પ્રદર્શન માત્ર એક કલા પ્રદર્શન નથી, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાની છેલ્લાં પાંચ દાયકાની (50 વર્ષની) અવિરત વિકાસ યાત્રાને ચિત્રો, ફોટોગ્રાફ્સ અને માહિતી દ્વારા સજીવન કરવાનો મહત્વાકાંક્ષી પ્રયાસ છે. જેમાં રાજકોટનાં ભવ્ય ભૂતકાળનાં અનેક દુર્લભ ચિત્રો, 20 વર્ષમાં વિકસિત થયેલો વર્તમાન ઉપરાંત રાજકોટનું ઉજ્જવળ ભવિષ્ય એકસાથે જોવા મળશે. હાલ આ માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

રાજકોટના ડે. કમિશ્નર ચેતન નંદાણીએ ચિત્ર પ્રદર્શનની વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજકોટનો ભૂતકાળ કે જેમાં કઈ રીતે શહેર અસ્તિત્વમાં આવ્યું તેનો કઈ રીતે વિકાસ થયો અને હવે શહેર ભવિષ્યમાં ક્યાં જશે તેનો ચિતાર દર્શાવવાનો પ્રયાસ આ ચિત્ર પ્રદર્શનમાં કરવામાં આવ્યો છે. અમુક જુની બાબતો ભુલાઈ ગઈ છે. જ્યારે અમૂક બાબતો અત્યારે પણ યથાવત છે. ત્યારે શહેરમાં કેવા-કેવા ફેરફાર થયા છે તે લોકો જાણી શકશે. તેમજ આપણી સંસ્કૃતિ અને અલભ્ય બાબતોને પણ આવરી લેવામાં આવી છે. અને આર્ટ ગેલેરીમાં એકંદરે પાંચ દાયકાનું રાજકોટ જીવંત થાય તે પ્રકારની ઝીણવટભરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ શહેરીજનોને રાજકોટના ભવ્ય ભૂતકાળ, ગૌરવશાળી વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્યની એક સાથે ઝલક પ્રદાન કરવાનો છે. આ પ્રદર્શનમાં પ્રસ્તુત થનારી વિગતો રાજકોટની વિકાસ ગાથાને અસરકારક રીતે રજૂ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *