ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પ્રતિષ્ઠિત ‘ગુજકેટ-2026’ (GUJCET) ની પરીક્ષા આવતીકાલે રવિવાર, 29 માર્ચના રોજ યોજાનાર છે. એન્જિનિયરિંગ, ફાર્મસી અને મેડિકલમાં પ્રવેશ લેવા ઈચ્છતા રાજ્યના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ આવતીકાલે OMR શીટમાં કેદ થશે. ખાસ કરીને રાજકોટમાં 46 જેટલા પરીક્ષા કેન્દ્ર પર 9306 પરીક્ષાર્થીઓ નોંધાયા છે જેના માટે તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવીની બાજ નજર હેઠળ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
માર્ચના અંતમાં ગરમીનો પારો આસમાને પહોંચી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે દરેક કેન્દ્ર પર પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા અને આરોગ્ય વિભાગની ટીમ તૈનાત રાખવાની સૂચના આપવામાં આવી છે. જો કોઈ વિદ્યાર્થીને ડીહાઈડ્રેશન કે ગભરામણ જેવી સમસ્યા થાય તો ત્વરિત સારવાર મળી રહે તેવું આયોજન કરાયું છે. પરીક્ષાની ગરિમા જળવાઈ રહે તે માટે બોર્ડ દ્વારા આ વખતે વિશેષ તકેદારી રાખવામાં આવી છે. પરીક્ષા કામગીરીના અનુભવી હોય તેવા વર્ગ-2 (Class-2) ના અધિકારીઓની ઝોનલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ અધિકારીઓ પ્રશ્નપત્રો અને OMR શીટના ગોપનીય પરિવહનથી લઈ પરીક્ષા પૂર્ણ થયા બાદ સાહિત્ય પરત મેળવવા સુધીની પ્રક્રિયા પર સીધી દેખરેખ રાખશે.