રાજકોટના 41.11 કિલોમીટરના મેટ્રો રેલ પ્રોજેક્ટની ફરી દિલ્હીમાં થઇ ચર્ચા

ઉદ્યોગ અને આંતરિક વેપાર સંવર્ધન વિભાગ (DPIIT)ના સંયુક્ત સચિવ પંકજકુમારની અધ્યક્ષતામાં નેટવર્ક પ્લાનિંગ ગ્રૂપ (એનપીજી)ની 89મી બેઠક રોડ, રેલવે અને મેટ્રો સેક્ટરમાં માળખાગત પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરવા માટે બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં દેશના જુદા-જુદા રાજ્યોમાં ચાલી રહેલા રસ્તાના, રેલવેના અને મેટ્રોના કામની સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્રીય લેવલની આ બેઠકમાં ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં આગામી સમયમાં અમલી થનાર મેટ્રો રેલ પ્રોજેક્ટની ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ અમલી થવાનો અહેવાલ દિવ્ય ભાસ્કરે 19 સપ્ટેમ્બર-24ના રોજ પ્રકાશિત કર્યો હતો.

બેઠકમાં ચર્ચા થઇ હતી કે રાજકોટ મેટ્રો પ્રોજેક્ટ ગ્રીનફિલ્ડ શહેરી પરિવહનની પહેલ છે, જેનો ઉદ્દેશ ગુજરાતમાં રાજકોટમાં ગીચતા ઘટાડવાનો અને પરિવહનની સ્થાયી પદ્ધતિ પ્રદાન કરવાનો છે. 41.11 કિલોમીટરને આવરી લેતી આ પરિયોજના વર્તમાન શહેરી માળખા સાથે સંકલિત છે. પ્રધાનમંત્રી ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન સાથે સુસંગત આ માળખાગત પ્રોજેક્ટ્સ કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો કરશે, લોજિસ્ટિક્સમાં સુધારો કરશે અને પ્રાદેશિક અને રાષ્ટ્રીય આર્થિક વૃદ્ધિમાં પ્રદાન કરશે.

રાજકોટ મેટ્રોની જવાબદારી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ કંપની ગાંધીનગર કચેરી સંભાળશે. મેટ્રો રેલના અધિકારીઓ રાજકોટમાં આવીને સર્વે પણ કરી ગયા છે. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપીને તેનો ડીપીઆર કેન્દ્રમાં મંજૂરી માટે મોકલ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *