ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધને કારણે રાજકોટના 40 લોકો દુબઈ અને ઓમાનમાં ફસાયા છે. તેમના દ્વારા કલેક્ટર કચેરી ખાતે શરૂ કરવામાં આવેલા કંટ્રોલ રૂમ પરના હેલ્પલાઇન પર ફોન કરી મદદ માગવામાં આવી હતી. આ તમામ લોકો જે તે જગ્યાએ સુરક્ષિત છે, પરંતુ તેઓ વતન પરત ફરવા માટે ફ્લાઇટની રાહમાં છે. ફ્લાઈટ મળતાની સાથે જ તેઓ રાજકોટ પરત ફરશે.
’16 પરિવારોના ફોન આવ્યા જેમના 40 લોકો ફસાયા છે’ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધને લીધે ફસાયેલા લોકોને મદદ કરવા માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેના નંબર 0281 2471573 અને 0281 2410100 છે. જેમાં 16 પરિવારોના ફોન આવ્યા છે, જેમના 40 લોકો ફસાયા છે. જેમાં 39 લોકો દુબઈમાં તો 1 વ્યક્તિ ઓમાનમાં છે. જોકે તેઓ હાલ સુરક્ષિત છે અને હવાઈ ઉડાન શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે. લોકો QR કોડ અને વેબસાઇટ પરથી પોતાની માહિતી મૂકી મદદ માંગી શકે છે.
રાજકોટ ડિઝાસ્ટર મામલતદાર મીરાબેન જાનીએ જણાવ્યું હતું કે, આ કંટ્રોલ રૂમ 24 કલાક ચાલુ છે. જ્યાં ફોન કરતા લોકોની માહિતી સ્ટેટ કંટ્રોલ રૂમને કરવામાં આવે છે અને તે માહિતી સ્ટેટ દ્વારા મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ ઓફ ઇન્ડિયામાં મોકલવામાં આવે છે. જે માટે એક QR કોડ અને વેબસાઇટ www.meaers.com/request પર પોતાની માહિતી મૂકી મદદ માંગી શકે છે.
ફલાઇટની મદદથી લોકો વતન રાજકોટ પરત ફરી રહ્યા છે તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ગલ્ફ દેશોમાં હાલમાં ચાલી યુધ્ધની પરિસ્થિતિ અન્વયે રાજકોટ જિલ્લાની કોઇ વ્યક્તિ ફસાયેલ હોવાનું ધ્યાને આવે તો ભારત સરકારના Ministry of External Affairs દ્વારા બનાવેલ ક્યુ.આર. કોડ સ્કેન કરાવી જરૂરી માહિતી ભરવાની રહેશે. જોકે હવે ફલાઇટની મદદથી લોકો વતન રાજકોટ પરત ફરી રહ્યા છે.