રાજકોટ જિલ્લો ક્ષયમુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા ક્ષય નાબૂદીના પંથે આગળ વધી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી સાથે 100 દિસવની ક્ષય નિર્મૂલન ઝુંબેશનો પ્રારંભ કરાયો છે જેમાં હાઈરિસ્ક કેટેગરીમાં આવતા તમામ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. મહત્વનું છે કે, સમગ્ર જિલ્લામાં ક્ષય નિર્મૂલન ઝુંબેશને પગલે 355 ગ્રામ પંચાયતો ટી.બી.મુક્ત જાહેર થતા સરપંચોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.ચોંકાવનારી બાબત એ છે કે, આરોગ્ય વિભાગે જિલ્લાના 142 ગામોને ટીબીની બીમારીના હાઈરિસ્ક કેટેગરીમાં મુક્યા છે.
દેશવ્યાપી ક્ષય નિર્મૂલન અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં પણ 100 દિવસની ઝુંબેશ શરૂ થઈ છે. જે અંતર્ગત હાઈરિસ્ક કેટેગરીમાં આવતા 60વર્ષથી વધુ ઉંમરના લોકો, ડાયાબિટીસ, કેન્સર, એઈડ્સ જેવી ગંભીર બીમારી ધરાવતા દર્દીઓ, ઈંટ ભઠ્ઠાના મજૂરો અને ઓછો બી.એમ.આઇ. ધરાવતી વ્યક્તિઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સેન્ટ્રલ ટી.બી. ડિવિઝન દ્વારા રાજકોટ જિલ્લાના 142 ગામોને ટી.બી. માટે હાઇરિસ્ક કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે, જ્યાં 14 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોના એક્સ-રે લેવામાં આવશે.
રાજકોટ જિલ્લાની કુલ 595 ગ્રામ પંચાયતોમાંથી 355 ગ્રામ પંચાયતોને વર્ષ 2025 માટે ટી.બી.મુક્ત ગ્રામ પંચાયત તરીકે જાહેર કરવામાં આવ્યા છે.આ સિદ્ધિ બદલ પડધરી ખાતે આયોજિત સરપંચ સંવાદ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ અને પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા ટી.બી.મુક્ત પંચાયતોના સરપંચોને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ તથા પ્રમાણપત્રો આપીને સન્માનિત કરાયા હતા.