રાજકોટના હિરાસર એરપોર્ટ પર ભાજપના નેતાઓને મળ્યા

સૌરાષ્ટ્રની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સોમવારે બપોરે 1.40 વાગ્યે રાજકોટ હિરાસર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને ત્યાંથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. એરપોર્ટ પર સંસદ સભ્યો, ધારાસભ્યો અને અધિકારીઓ સહિત 15 લોકો સાથે ઔપચારિક મુલાકાત કરી હતી, જેમાં પૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળાએ હળવી રમૂજ કરી હતી અને વડાપ્રધાન મોદી ખડખડાટ હસ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી શનિવારથી બે દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે હતા. શનિવારે સાંજે જામનગર રાત્રી રોકાણ કરી રવિવારે વહેલી સવારે ખાવડી વનતારા પહોંચ્યા હતા અને બપોરે ત્યાંથી સોમનાથ આગમન થયું હતું. રવિવારે રાત્રે સાસણગીરમાં રોકાણ કરી સોમવારે બપોરે 1.40 વાગ્યે દિલ્હી જવા રાજકોટ હિરાસર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.

વડાપ્રધાનને આવકારવા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળા, સાંસદ રામભાઇ મોકરિયા, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય ઉદય કાનગડ, ડો.દર્શિતા શાહ, જયેશ રાદડિયા, દુર્લભજી દેથરિયા, પ્રદેશ આગેવાન ડો.ભરત બોઘરા, મેયર નયનાબેન પેઢડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, શહેર પ્રમુખ મુકેશ દોશી, જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયા, કલેક્ટર પ્રભવ જોષી અને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા હાજર રહ્યા હતા. તમામ પદાધિકારીઓ અને અધિકારીઓએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું, ટૂંકુ રોકાણ કરી દિલ્હી જવા રવાના થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *