કેન્દ્ર સરકાર દ્વારા દરવર્ષે યોજાતી સ્વચ્છતા સર્વેક્ષણ સ્પર્ધામાં રાજકોટ સતત પાછળ ધકેલાઈ રહ્યું છે, જેને લઈને નવનિયુક્ત મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ શહેરની વ્યવસ્થિત સફાઈ કરાવવા માટે ખાસ ટીમ બનાવી છે. આ ટીમ દ્વારા હાલ ક્યાં વિસ્તારમાં વધારે કચરો થાય છે, તેનો સ્થળ પર જ નિકાલ માટે શું કાર્યવાહી કરી શકાય તે અંગે સર્વે કરવામાં આવી રહ્યો છે. મ્યુ. કમિશનર રાજકોટ શહેરને 1થી 15માં લાવવાનાં ટાર્ગેટ સાથે કામગીરી કરી રહ્યા છે. જોકે, સોલીડ વેસ્ટની ઢીલી કામગીરી રાજકોટ શહેરમાં પ્રજાની જાહેરમાં કચરો ફેંકવાની આદત, તેમજ નાકરાવાડીમાં રહેલા કચરાઓના ઢગલા સહિતનાં મોટા પડકારો છે. ત્યારે વર્ષ 2025માં સ્વચ્છતામાં રાજકોટનો રેન્ક સુધરશે કે નહીં તે આવનારો સમય જ બતાવશે.
તો બીજી તરફ RTI એક્ટિવિસ્ટ શૈલેન્દ્રસિંહ જાડેજાએ દિવ્ય ભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્વચ્છતા સર્વેક્ષણની ટીમને નાકરાવાડીના કચરાના ઢગલા દૂરથી ન દેખાય એ માટે મંડપથી ઢાંકી દેવાનો પ્રયાસ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે.
પૂર્વ સીએમ વિજય રૂપાણીનું હોમટાઉન રાજકોટ દેશના શ્રેષ્ઠ સ્વચ્છ શહેરોની સ્પર્ધામાં સતત પાછળ ધકેલાઈ રહ્યુ છે. પ્રથમ વખત સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ઘરાયું હતું, ત્યારે રાજકોટ 7માં ક્રમે હતુ. એ પછી 18માં ક્રમે અને છેલ્લે 29માં ક્રમે ધકેલાયું હતું. હવે આ વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટનો નંબર કેટલામો હશે? એ તો આવનારો સમય જ કહેશે. પણ, જ્યાં આખા શહેરનો કચરો એકત્ર થાય છે, તેવુ નાકરાવાડી અવારનવાર સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટનું નાક કાપે છે. નવા ભળેલા વિસ્તારોમાં એકત્ર થતો કચરો અને ન્યૂસન્સ પોઈન્ટ પણ રાજકોટનાં રેન્કને પાછળ ધકેલવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. જોકે, મ્યુ. કમિશનરે તમામ પડકારો સામે લડાઈ શરૂ કરી છે.