રાજકોટના સોપારીના વેપારી સાથે દલાલ સહિત પાંચે રૂ.1 કરોડની છેતરપિંડી આચરી

શહેરના કોઠારિયા રોડ પર દુકાન ધરાવતા અને સોપારીનો હોલસેલમાં વેપાર કરતાં યુવક સાથે અમદાવાદના દલાલ સહિત પાંચ શખ્સે રૂ.1 કરોડની છેતરપિંડી આચરી હતી. અમદાવાદના દલાલે અલગ અલગ ચાર વેપારીનો ભેટો કરાવી રાજકોટના વેપારી પાસેથી 27910 કિલો સોપારી ખરીદી કરાવી રકમ નહીં ચૂકવી ઠગાઇ કરી હતી. પોલીસે ગુનો નોંધી પાંચેય શખ્સની શોધખોળ શરૂ કરી હતી.

કોઠારિયા રોડ પર પુનિત સોસાયટીમાં રહેતા અને સ્વિમિંગ પુલ નજીક વીરભગતસિંહ શોપિંગ સેન્ટરમાં હરિઓમ સેલ્સ એજન્સી તથાં શૌર્ય એન્ટરપ્રાઇઝ નામે સોપારીનો હોલસેલ વેપાર કરતાં મિતેશ હરિલાલ સાયાણી (ઉ.વ.41)એ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદ દાણીલીમડાના મન્સુર અરબિયાની, જામનગરના ધ્રોલના વિનુ કાસુંદ્રા, અમદાવાદ વટવાના જમીલ મન્સુરી, અમજદ મેવ અને બદરૂદ્દીન હફીકઉલ્લા ઉર્ફે હાફીજ અમજદના નામ આપ્યા હતા. મિતેશ સાયાણીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સોપારીની દલાલીનું કામ કરતાં મન્સુર અરબિયાની સાથે વર્ષ 2023માં પરિચય થયો હતો.

સોપારીના વેપારમાં હોલસેલ વેપારી સોપારી ખરીદનાર વેપારીને ઓળખતો ન હોય ત્યારે દલાલ મારફતે વેપાર થાય અને નાણાંની જવાબદારી દલાલ સ્વીકારતા હોય છે. આ રીતે મન્સુર અરબિયાની સાથે વ્યવહાર શરૂ કર્યો હતો. ત્યારબાદ મન્સુરે મારુતિ એન્ટરપ્રાઇઝવાળા વિનુ કાસુંદ્રાને રૂ.11.14 લાખની 3250 કિલો સોપારી, હિન્દ ટ્રેડર્સવાળા જમીલ મન્સુરીને રૂ.25.68 લાખની 7215 કિલો સોપારી, વતન એન્ટરપ્રાઇઝવાળા અમજદને રૂ.43.19 લાખની 12415 કિલો સોપારી તથાં એચ.ઝેડ.એમ. ટ્રેડર્સવાળા હાફીજને રૂ.28.25 લાખની 7930 કિલો સોપારી અપાવી હતી અને આ તમામ રકમ ચૂકવાઇ જશે તેવી જવાબદારી મન્સુર અરબિયાનીએ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *