કમોસમી વરસાદને કારણે બે એકર જમીનનો તૈયાર પાક ધોવાઈ જતાં રાજકોટના સરધાર ગામના ખેડૂતે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો છે. ખેડૂતના મોતને પગલે તેની પત્ની અને બંને પુત્રો ચોધાર આસુએ રડ્યાં હતાં. બન્ને પુત્રોએ પિતાની ફોટો ફ્રેમને હાથમાં રાખી પિતાને પરત લઇ આવો તેવો પોકાર કર્યો હતો. પરિવારનો મુખ્ય આધાર જ છીનવાઈ જતા પત્ની અને બંને પુત્રો નોંધારાં બની ગયાં છે.
રાજકોટના સરધાર ગામે રહેતા 42 વર્ષીય જેસીંગભાઈ અરજણભાઈ મકવાણાએ 2 એકર જમીનનો પાક સદંતર નિષ્ફળ જતા અંતિમ પગલું ભરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ વચ્ચે દિવ્ય ભાસ્કરની ટીમ રાજકોટ શહેરથી 30 કિલોમીટર દૂર આવેલા સરધાર ગામે પહોંચી તો ત્યાં હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયાં હતાં. ખેડૂતનાં પત્ની અને બંને પુત્રો ચોધાર આસુએ રડી રહ્યા હતા. બન્ને પુત્રો પિતાની ફોટો ફ્રેમને હાથમાં રાખી રડી પડ્યા હતા અને મારા પિતાને પરત લઇ આવો તેવો પોકાર કર્યો હતો. આ વચ્ચે મૃતક ખેડૂતના સગા ભાઈએ બે હાથ જોડીને સરકાર પાસે ખેડૂતોને સહાય આપવાની માંગણી કરી હતી. પરિવારનો મુખ્ય આધાર જ છીનવાઈ જતા પત્ની અને બંને પુત્રો નોંધારાં બની ગયાં છે.