શહેરના વોર્ડ નં.13,14 અને 17માં લાંબા સમયથી એકપણ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ન હોય બાંધકામ પ્લાન મંજૂરી, કમ્પ્લિશન, ઇમ્પેક્ટ સ્કિમ સહિતની કામગીરી અટકી પડયાની સિવિલ એન્જિનિયર એસોસિએશને રજૂઆત કરી હતી જેના અનુસંધાને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા વેસ્ટ ઝોનના વોર્ડ નં.10માં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અજીત એમ. પરમારને હવે વોર્ડ નં.13, 14 અને 17ના એટીપીનો ચાર્જ સોંપ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ શાખાના એટીપી અર્જુન પટેલ ગત તા.31 માર્ચના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા બાદ આ જગ્યા ખાલી પડી હતી અને બે મહિના સુધી કોઇ એટીપી નહીં મુકાતા બાંધકામ પ્લાન, કમ્પ્લિશન, બીયુ પરમિશન, ઇમ્પેકટ સ્કિમ સહિતની અનેક કામગીરીઓ અટકી પડી હતી અને 1000થી વધુ ફાઇલોનો ભરાવો થઇ ગયો હતો જેના પગલે સિવિલ એન્જિનિયર એસોસિએશન દ્વારા આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે નવા એટીપી તરીકે અજીત પરમારને મુકવાનો હુકમ કરાયો છે. હવે ટૂંક સમયમાં વહીવટી કામગીરી રાબેતા મુજબ થઇ જશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ટીઆરપી અગ્નિકાંડ બાદ ફાયર શાખા અને ટીપી શાખાના કેટલાક અધિકારીઓની શંકાસ્પદ ભૂમીકા બહાર આવી હતી. ત્યારબાદ કામગીરી ખોરંભે ચડી હતી.