રાજકોટમાં 25 મેના રોજ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની દુર્ઘટનામાં 27 નિર્દોષ વ્યક્તિના મૃત્યુ નીપજ્યા બાદ શહેરમાં જાણે અરાજકતાનો માહોલ હોય તેવું વાતાવરણ સર્જાયું છે. વેપારીઓ પરેશાન છે, વાલીઓ પીડાઈ રહ્યા છે, જર્જરિત મકાનના મુદ્દે ગરીબ પરિવારો બેઘર થઈ ગયા છે, સ્કૂલવાન સંચાલકોની રોજીરોટીનો સવાલ છે. આ તમામ મુદ્દે શહેરના 20 ટકા લોકો પરેશાની ભોગવી રહ્યા છે. સરકારી તંત્ર આકરી કાર્યવાહીના નામે ચરમસીમારૂપ કનડગત કરી રહ્યું છે.
શહેરમાં કોઇપણ સમસ્યા ઉપસ્થિત થાય તો તેનો ઉકેલ લાવવાની જેના પર જવાબદારી છે તે સંસદ સભ્ય, ધારાસભ્ય, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શહેર ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ માત્ર મધ્યસ્થીની વાતો કરે છે પરંતુ તેઓનું કઈ ઉપજતું નથી. સરકારી અધિકારીઓ શાસકો ઉપર હાવી થઈ ગયા છે અને ભોગ બની રહ્યા છે 42000થી વધુ વાલીઓ, 300થી વધુ વેપારીઓ, 700થી વધુ ગરીબ પરીવારો અને જેના મકાન સીલ થવાના છે તેમજ જેમની મિલકતો સીલ થવાની છે તેઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.