રાજકોટના રૂખડીયાપરા, કુબલીયાપરા, જયુબેલી, રામનાથપરા, માલવીયા સહિતના વિસ્તારોમાં કાર્યવાહી

રાજકોટ શહેરમાં ગઇકાલે મવડી વિસ્તરમાં એક શખસ ખુલ્લેઆમ દારૂની બોટલ હાથમાં રાખી દારૂનું સેવન કરતો હોવાનો વીડિયો વાઇરલ થતા રાજકોટ પોલીસ કમિશનર દ્વારા એક્શન મોડમાં આવી મોડીરાત્રે તમામ પોલીસ સ્ટેશનમાં સ્ટાફને પોતાના વિસ્તારમાં દારૂના અડ્ડા પર દરોડા પાડવા સૂચના આપી હતી. જેના આધારે આજે વહેલી સવારે 5 વાગ્યાથી દારૂના અડ્ડા ઉપર દરોડા પાડવામાં આવ્યા હતાં. પોલીસે કુલ 79 કેસ કરી 517 લિટર દેશી દારૂ તેમજ 2,343 લિટર આથો મળી આવતા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

સવારે 5 વાગ્યે બુટલેગરોના ઘરે પોલીસ રેડ
રાજકોટ શહેરમાં જાણે ખાખીનો ખોફ જ ન રહ્યો હોય તેમ ખુલ્લે આમ દારૂડિયા દારૂ પી ધમાલ કરતા હોય તેના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાઇરલ થતા હોય છે. ગઈકાલે જાહેરમાં એક વ્યક્તિ દારૂની બોટલ હાથમાં રાખી દારૂ પીતો વીડિયો વાઇરલ થતા તાત્કાલિક તેને શોધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે બાદ મોડીરાત્રે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ સ્ટેશન તેમજ SOG અને ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરવા સૂચના આપવામાં આવી હતી. જેના આધારે આજે વહેલી સવારે 5 વાગ્યે અલગ-અલગ વિસ્તારમાં દરોડા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *