રાજકોટના આજીડેમ પાસે સાંઈબાબા સર્કલથી સ્વાતિ પાર્ક જવાના રસ્તા પરથી 30 વર્ષીય યુવાનને જીવતો સળગાવી હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ સ્ટાફ, ક્રાઇમ બ્રાન્ચ અને SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરતાં મૃતક સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટી-3માં રહેતાં વિપુલ વશરામભાઈ ક્યાડા (ઉ.વ.35) હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હત્યાના ગુનામાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે બે સગા ભાઈ અને એક સગીર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. જેમાં પોલીસે શામળભાઈ ઉર્ફે વિરમભાઈ વકાતર અને મેહુલ ઉર્ફે હકો વકાતર તેમજ એક સગીરને ઝડપી પાડી ગણતરીની કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
ગઈકાલે સાંજે પોલીસ કંટ્રોલ રૂમમાં આજીડેમ પાસે સાંઈબાબા સર્કલથી સ્વાતિ પાર્ક જવાના રસ્તા પર સળગેલી લાશ પડી હોવાની જાણ થયા બાદ આજીડેમ પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. જ્યાં અજાણ્યા આશરે 35થી 40 વર્ષના પુરૂષની મોઢાથી કમર સુધીના ભાગ સુધી આખી અને બાકીના ભાગ સુધી અડધી સળગેલી લાશ જોવા મળી હતી. બાજુમાં એક પ્લાસ્ટીકની બોટલ પણ મળી આવી હતી. જેના પરથી બોટલમાં જે કોઈ જવલંતશીલ પ્રવાહી એટલ કે પેટ્રોલ કે ડિઝલ લઈ આવી તે છાંટી લાશ સળગાવાયાના તારણ પર પોલીસ પહોંચી હતી.