સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી એક 21 વર્ષીય યુવતીએ રાજકોટના જાણીતા યુટ્યુબર રવિપુરી ગોસ્વામી, તેની પત્ની અને એક મિત્ર વિરુદ્ધ ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુટ્યુબર પર પૈસા કમાવાની લાલચ આપીને યુવતીને ફસાવી તેને રાજકોટ બોલાવી શારીરિક અડપલાં કર્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે યુવતી તેને મળવા ઘરે પહોંચી ત્યારે તેને ખબર પડી કે તે પરિણીત છે અને એક સંતાનનો પિતા પણ છે.
પાંચ વર્ષ પહેલાં સોશિયલ મીડિયા પર શરૂ થઈ વાતચીત બનાવની વિગતો મુજબ, પાંચ વર્ષ પહેલાં જ્યારે યુવતી 17 વર્ષની હતી, ત્યારે તે સોશિયલ મીડિયા પર ‘જીગલી’ અને ‘ખજૂર’ જેવી ચેનલોના વીડિયો જોતી હતી. આ દરમિયાન તે વીડિયો પર કોમેન્ટ પણ કરતી હતી. તે સમયે દેવલ મકવાણા નામના એક વ્યક્તિએ તેને મેસેજ કર્યો અને પૈસા કમાવા માટે પોતાના અવાજવાળો વીડિયો મોકલવાનું કહ્યું. યુવતીએ પોતાના મોબાઈલ નંબર અને નામ સાથે વીડિયો મોકલ્યો. ત્યારબાદ દેવલ મકવાણાએ તેને જણાવ્યું કે, તે રવિપુરી હરીશપુરી ગોસ્વામી, જે ચિંગારી એપ્લિકેશનના મેનેજર છે, તેમનો નંબર આપશે.
રાજકોટની હોટલમાં બોલાવી છેડતી રવિપુરી ગોસ્વામી (રહે. શેરી.1, મોચી કોમ્યુનિટી હોલની પાસે, રાજકોટ) સાથે યુવતીનો સંપર્ક થયો. બંને વચ્ચે વીડિયો બનાવવા અંગે વાતચીત થવા લાગી અને ધીમે ધીમે મિત્રતા કેળવાઈ. રવિપુરીએ તેને રાજકોટ બોલાવી. યુવતી પોતાના માતા-પિતા સાથે રાજકોટ ગઈ અને તેઓ એક હોટલમાં રોકાયા. રવિપુરીએ બતાવેલી હોટલમાં યુવતી તેને મળવા ગઈ, જ્યાં તેણે યુવતી સાથે શારીરિક અડપલાં કર્યા. ગભરાઈને યુવતી તાત્કાલિક ત્યાંથી નીકળી પોતાની હોટલ પર પરત આવી ગઈ અને સુરત આવી ગઈ.