રાજકોટના માધાપર બ્રિજના લોકાર્પણના 5 મહિના બાદ પણ સર્વિસ રોડ બંધ

રાજકોટનાં માધાપર ચોકડી બ્રિજનાં લોકાર્પણને પાંચ મહિના કરતા વધુ સમય થયો છે. જોકે, આમ છતાં પણ આ બ્રિજની એક તરફનો સર્વિસ રોડ બંધ છે. જમીન સંપાદનનાં કારણે આ સર્વિસ રોડ બની શક્યો નથી. આ કારણે વાહનચાલકો પોતાનું વાહન રોંગ સાઈડમાંથી ચાલવા મજબૂર બન્યા છે. સપ્ટેમ્બરમાં બ્રિજ લોકાર્પણ સમયે કલેક્ટરે 2 મહિનામાં જમીન સંપાદન કરીને સર્વિસ રોડ શરૂ કરવાનો વાયદો આપ્યો હતો, પરંતુ કલેક્ટરે વાયદો પૂર્ણ કર્યો નથી. વાયદાને પાંચ મહિના કરતા વધુ સમય થવા છતાં સર્વિસ રોડ બંધ હોવાથી અકસ્માતોની સંખ્યા પણ વધી છે. છેલ્લા 6 મહિનામાં 11થી વધુ અકસ્માત આ જગ્યા પર થયાં છે. આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે, આ મામલે અગાઉ કલેક્ટરે જમીન સંપાદન માટેની નોટિસ પણ આપી હતી, પણ કામગીરી ત્યાંની ત્યાં જ અટકી પડી છે. એટલું જ નહીં અહીંથી રોજ હજારો વાહનચાલકો રોંગ સાઈડમાંથી પસાર થતા હોવા છતાં પોલીસ વાહનચાલકોને દંડ કરી શકતી નથી.

જીતુભાઈ પંડ્યા નામના સ્થાનિકે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા બનેલો આ બ્રિજ અમારા માટે આશીર્વાદરૂપ છે, પરંતુ અમારો ગંભીર પ્રશ્ન સર્વિસ રોડનો છે. આ વિસ્તારમાં ખૂબ ટ્રાફિક રહે છે. તેવામાં એકતરફનો સર્વિસ રોડ બંધ હોવાને લઇ વાહનચાલકોને ફરજિયાત રોંગ સાઈડમાં વાહન લઈને નીકળવું પડે છે. આ કારણે અકસ્માતોની સંખ્યા પણ વધી છે. છેલ્લા 6 મહિનામાં 12 અકસ્માતો થઈ ચૂક્યા છે. સર્વિસ રોડ બંધ હોવાની સાથે ત્યાં પતરા લગાવી દેવાયા હોવાથી ચાલીને પણ નીકળી શકાતું નથી, જેને લઈને સિનિયર સિટીઝનો અને મહિલાઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર અને કલેક્ટર તંત્ર સતર્ક હોવા છતાં કામ ક્યાં અટકે છે, તે જ સમજાતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *