રાજકોટનાં લાલપરી રાંદડા તળાવ નજીકની સરકારી જમીન પર ઓરડીઓ બનાવી ભાડે આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર વજીબેન ગોલતરના પતિ કવા ગોલતરનું નામ ચર્ચામાં આવ્યું છે. ત્યારે આ મામલે કોંગ્રેસ પણ મેદાને આવી છે અને આજે કોંગ્રેસના આગેવાનો દ્વારા ભાજપ સરકાર પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. તેમજ કૌભાંડમાં સામેલ ભાજપનાં નગર સેવક સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. સમગ્ર મામલે મ્યુ. કમિશ્નરે આ અંગે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જણાવી રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે નિયમ મુજબ પગલાં લેવાની ખાતરી આપી હતી. ઉલ્લેખનિય છે કે, આવાસ કૌભાંડમાં કવા ગોલતરનું નામ સામે આવતા તેમની કોર્પોરેટ પત્ની વજીબેન ગોલતર અને અન્ય વોર્ડ નં. 6ના કોર્પોરેટર દેવુબેન જાદવની ભાજપે પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરનાં લાલપરી રાંદડા તળાવ નજીક સરકારી જમીન પર ઓરડીઓ બનાવી ભાડે આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે આ મુદ્દે આવાસ કૌભાંડમાં સામેલ તેમજ ભાજપનાં કોર્પોરેટર વજીબેન ગોલતરનાં પતિ કવા ગોલતરનું નામ સામે આવ્યું છે. કવા ગોલતરે સરકારી જગ્યામાં 350 જેટલી ઓરડીઓ બનાવી હોવાનું અને તે પૈકી 100 ઓરડીઓ 2થી 4 લાખ રૂપિયામાં વેંચી નાખીને બાકીની ઓરડીઓ માટે 2થી 3 હજાર રૂપિયામાં ભાડે આપી હોવાનું સામે આવ્યું હતું.