રાજકોટના બે શખસો બિલ વગર ખેતપેદાશોની લે-વેચ કરતા વેપારીઓને કરાવતા ફાયદો

રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આજે બે શખસોને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી 90 લાખની રોકડ કબ્જે કરી પુછપરછ કરતા તેની ઓફિસ ખાતે વધુ 1 કરોડ 24 લાખ રોકડ રકમ મળી આવતા કુલ 2.14 કરોડ કબ્જે કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં આ બંને શખસોએ ઉપલેટા યાર્ડમાં પેઢી ખોલી ખેતપેદાશોની લે-વેચ કરતા વેપારીઓને રોકડ રકમ કમિશન મારફત મેળવી કેશ ટ્રાન્ઝેક્શનને અન્કેશ કરી આપતા હતા, જેમાં 1 લાખ રૂપિયા સામે તેઓ 550 રૂપિયા કમિશન લેતા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે બંને શખસોની અટકાયત કરી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

રાજકોટ શહેર DCP ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર આર્થિક ગુન્હા નિવારણ શાખાને ચોક્કસ બાતમી મળી હતી કે, નિલેશ ભાલોડી અને જયસુખ ફેફર રોકડ રકમની મોટા પાયે હેરાફેરી કરી રહ્યા છે. આ બંને શખસો કેટલાક વેપારીઓના રૂપિયા મેળવી એક જગ્યાથી બીજી જગ્યા પહોંચતા કરી તેમાંથી કમિશન મેળવી રહ્યા છે. આ દરમિયાન તેઓ પોતાની કારમાંથી રોકડ રકમ ટ્રાન્સફર કરી રહ્યા હતા ત્યારે તપાસ કરતા તેની પાસેથી 90 લાખ રોકડ મળી આવી હતી. ત્યારબાદ તેની આગળની પૂછપરછ કરવામાં આવતા નાના મવા રોડ પર આવેલા નાઈન સ્કવેર બિલ્ડીંગ ખાતે તેની ઓફિસમાં તપાસ કરતા વધુ રોકડ રકમ મળી આવી હતી. આ બંને શખસો પાસેથી પોલીસને પ્રથમ 90 લાખ અને ઓફિસમાંથી 1 કરોડ 24 લાખ વધુ રોકડ રકમ મળી આવતા કુલ 2.14 કરોડ કબ્જે કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *