રાજકોટના બામણબોર વિસ્તારમાં મોડીરાત્રે કારખાનામાં આગ ફાટી નીકળી હતી. પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગતાં ગગનચુંબી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. મોડીરાત્રે આગની ઘટનાની જાણ સ્થાનિકને થતાં ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી, તેથી 2 ફાયર ફાઈટર સાથે ફાયરબ્રિગેડના જવાનોનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તરત જ પાણીનો મારો ચલાવ્યો હતો. સ્થાનિકના કહેવા પ્રમાણે કારખાનામાં આગ શોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. આગના બનાવના પગલે કારખાનામાં માલ-મશીનરી સહિત લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ છે. જોકે આગની ઘટના સમયે કારખાનાના માલિક હાજર ન હતા.
સ્થાનિક યુવક જેકી કોટેચાએ જણાવ્યું હતું કે બામણબોર GIDC પ્લોટ નંબર – 304-305માં આવેલા ઇન્ફિનિટી પોલિમર કારખાનામાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. રાત્રે 2થી 2.30 વાગ્યા દરમિયાન આગ લાગી હતી. એની જાણ મોડીરાત્રે 3 વાગ્યા પછી થઈ હતી, જેથી અહીં દોડી આવ્યો હતો અને બાદમાં ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી 2 ફાયર ફાઈટર સાથે 10 લોકોની ટીમ આગ બુઝાવવા ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એ બાદ ફાયરબ્રિગેડના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આ આગમાં કોઈ વ્યક્તિને નુકસાન પહોંચ્યું ન હતું, પરંતુ માલ અને મશીનરી આગમાં બળીને ખાખ થઈ ગયાં હતાં, જોકે કેટલું નુકસાન થયું એનો આંકડો હજુ સામે આવ્યો નથી.