રાજકોટ શહેરના 80 ફૂટ રોડ પર પુનિતનગર વિસ્તારમાં ગઈકાલે વહેલી સવારે 5.30 વાગ્યા આસપાસ કુખ્યાત શક્તિ ઉર્ફે પેંડા ગેંગના સાગરીત પરેશ બળદા ઉપર જંગલેશ્વરના સમીર ઉર્ફે મુર્ગો ઉર્ફે ટકો પઠાણે તેના અન્ય મિત્રો સાથે મળી રેકી કર્યા બાદ ગેરકાયદેસર હથિયારથી ફાયરિંગ કરી ઇજા પહોંચાડી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન શહેર SOG પોલીસ દ્વારા ફાયરિંગ કરનાર મુ. આરોપી સમીર ઉર્ફે ટકો સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી તેની પાસેથી ગુનામાં વપરાયેલ ગેરકાયદેસર હથિયાર અને મોટર કાર કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગઈકાલે સવારે 5.30 વાગ્યે પુનિતનગર વિસ્તારમાં ફાયરિંગ ઘટના બની, જેમાં જંગલેશ્વરના શખસોની સંડોવણી હોવાનું સામે આવતા અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન શહેર SOG પોલીસ ટીમને ચોક્કસ મળેલ બાતમીના આધારે મુખ્ય આરોપી સમીર ઉર્ફે મુર્ગો ઉર્ફે ટકો પઠાણ, શાહનવાજ ઉર્ફે નવાજ વેતરણ અને સોહીલ ઉર્ફે ભણો ચાનીયા સહિત 3 આરોપીઓને ઝડપી પાડી તેની પાસેથી ગુનામાં વપરાયેલ ગેરકાયદેસર હથિયાર દેશી બનાવટની પિસ્તોલ કિંમત રૂ.25,000, જીવતા 2 કાર્ટીસ કિંમત રૂ. 200 અને વર્ના કાર કિંમત રૂ. 5,00,000 મળી કુલ 5.52 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.