રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ સાથે જોડાયેલા ન્યૂરોસર્જન ડો.જિગરસિંહ જાડેજાએ ઓપરેશન થિયેટરમાં બનાવેલી કોમેડી રીલ સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં વિવાદ સર્જાયો છે. ડો. જિગરસિંહ જાડેજાએ આ રીલ પોતાના ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી, પરંતુ વિવાદ થતાં દૂર કરી દીધી હોવાનું સામે આવ્યું છે. ભાસ્કરે આ મામલે વોકહાર્ટ હોસ્પિટલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં PROએ કંઈપણ કહેવાનો ઈનકાર કર્યો હતો.
રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં ન્યૂરોસર્જન તરીકે કાર્યરત ડો. જિગરસિંહ જાડેજાએ ઓપરેશન થિયેટરમાં એક કોમેડી રીલ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરતાં વિવાદ સર્જાયો છે. વિવાદ વકરે એ પહેલાં જ તબીબ દ્વારા આ રીલ ડિલિટ કરી નાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
તબીબની વાઈરલ રીલને લઈ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે વોકહાર્ટ હોસ્પિટલના તબીબ ડૉ. જિગરસિંહ જાડેજાનો એક વીડિયો જાહેર કર્યો છે, જે ઈન્સ્ટાગ્રામ પર રીલ સ્વરૂપે મૂકવામાં આવેલો છે. એમાં ડોક્ટર એવું કહી રહ્યા છે કે ‘ઝીરો સિવિક સેન્સ. યે નહીં કોઈ બંદા ઓપરેશન થિયેટર મેં રીલ બના રહા હૈ, વીડિયો બના રહા હૈ ઔર પીછે સે આકે ઓપરેશન શૂરૂ કર દેતે હૈ. કહા જાયેગા યે રીલ. ઔર એસા ભી નહીં કે સોરી બોલે યે દેખો હસ રહા હૈ’.
કોંગ્રેસ પ્રવક્તા વધુમાં જણાવે છે, એક તરફ દર્દી બેભાન છે અને ગંભીર હાલતમાં છે ત્યારે ડૉક્ટર કોમેડી રીલ બનાવી રહ્યા છે. જીવન બચાવવાનું પવિત્ર સ્થળ ગણાતું ઓપરેશન થિયેટર શું હવે સોશિયલ મીડિયા કન્ટેન્ટ બનાવવાનું સ્થળ બની ગયું છે ? એેવો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. સોશિયલ મીડિયાના જમાનામાં હવે હદ પાર થઈ ગઈ છે. લાઇક્સ અને વ્યૂઝની દોડમાં માનવતા, નૈતિકતા અને વ્યાવસાયિક જવાબદારીને નેવે મૂકી દેવામાં આવી હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે.